જૉકોવિચને હરાવીને 10મી વાર ઇટાલિયન ચૅમ્પિયન બન્યો નડાલ

18 May, 2021 03:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇટાલિયન ઓપનની સિંગલ્સ મેન્સ ફાઇનલમાં રવિવારે રાતે ક્લે કોર્ટના ‌‌કિંગ રફાલ નડાલે વર્લ્ડ નંબર-વન નોવાક જૉકોવિચને હરાવીને રેકૉર્ડ ૧૦મી વાર આ ટ્રોફી જીતી લીધી હતી.

રફાલ નડાલ

ઇટાલિયન ઓપનની સિંગલ્સ મેન્સ ફાઇનલમાં રવિવારે રાતે ક્લે કોર્ટના ‌‌કિંગ રફાલ નડાલે વર્લ્ડ નંબર-વન નોવાક જૉકોવિચને હરાવીને રેકૉર્ડ ૧૦મી વાર આ ટ્રોફી જીતી લીધી હતી. નડાલે ત્રણ સેટના આ સંઘર્ષપૂર્ણ મુકાબલામાં જૉકોવિચને ૭-૫, ૧-૬, ૬-૩થી મહાત આપી હતી. હવે બન્નેની નજર ૩૦ મેથી શરૂ થતી વર્ષની બીજી ગ્રૅન્ડ સ્લૅમ ફ્રેન્ચ ઓપનમાં કમાલ કરવા પર રહેશે.

નડાલે ફાઇનલમાં પહેલો સેટ ૭-૫થી જીતી લીધો હતો, પણ જૉકોવિચે કમાલનું કમબૅક કરતાં બીજો સેટ ૬-૧થી જીતી લીધો હતો. જોકે નડાલ ત્રીજા સેટમાં જૉકોવિચને ૬-૩થી પછાડીને ચૅમ્પિયન બન્યો હતો. 

ચોથી ટુર્નામેન્ટમાં દસ કા દમ
રવિવારે ઇટાલિયન ઓપન ૧૦મી વાર જીતીને નડાલ ચાર-ચાર એટીપી ટુર્નામેન્ટ ૧૦ કે એથી વધુ ‍વાર જીતનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો હતો. ઇટાલિયન ઓપન પહેલાં તે મોન્ટે કાર્લો (૧૧ વાર), બાર્સેલોના ઓપન (૧૨ વાર) અને ફ્રેન્ચ ઓપન (૧૩ વાર)માં આવી કમાલ કરી શક્યો છે. 

જૉકોવિચ સામે ૨૮મી જીત
આ બન્ને દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે આ ૫૭મી ટક્કર હતી, જેમાંથી જૉકોવિચ ૨૯ વાર જીત્યો છે અને રવિવારની નડાલની જીત એ ૨૮મી હતી. જોકે ક્લે (માટી) કોર્ટ પરની ટક્કરની વાત કરીએ તો નડાલે જૉકોવિચ સામે ૨૬માંથી ૧૯ મૅચમાં જીત મેળવીને તેનો દબદબો જાળવી રાખ્યો છે. 

નડાલે કરી જૉકોવિચની બરોબરી
આ જીત સાથે નડાલે જૉકોવિચના ૩૬ માસ્ટર્સ ૧૦૦૦ ટાઇટલ્સ જીતવાના રેકૉર્ડની પણ બરોબરી કરી લીધી છે. 

મહિલાઓમાં સ્વિયાટેકે કર્યા વાઇટ-વૉશ
ઇટાલિયન ઓપનની મહિલાઓની ફાઇનલમાં પૉલિશ ટીનેજર ઇગા સ્વિયાટેક કમાલની જીત સાથે ચૅમ્પિયન બની હતી. તેણે ફાઇનલમાં કૅરોલિના ‌પ્લિસ્કોવાને ૬-૦, ૬-૦થી ધોઈ નાખી હતી. પ્લિસ્કોવાને તેણે એક પણ ગેમ જીતવા નહોતી દીધી. ૧૫મા ક્રમાંકિત સ્વિયાટેક આ જીત સાથે રૅન્કિંગ્સમાં ટૉપ ટેનમાં પહોંચી જશે. 

novak djokovic rafael nadal sports news sports tennis news