રાફેલ નડાલ મારી કરીઅરનૌ સૌથી મોટો પ્રતિસ્પર્ધી : નોવાક જૉકોવિચ

11 June, 2021 03:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે બન્ને વચ્ચે ફ્રેન્ચ ઓપનની સેમી ફાઇનલમાં ટક્કર

નોવાક જૉકોવિચ

ફ્રેન્ચ ઓપનની સેમી ફાઇનલમાં આજે વિશ્વના નંબર-વન ખેલાડી નોવાક જૉકોવિચ અને રાફેલ નડાલ વચ્ચે ટક્કર થશે. બન્નેએ ચાર-ચાર સેટની ક્વૉર્ટર ફાઇનલ જીતીને સેમી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. જૉકોવિચે ક્વૉર્ટર ફાઇનલમાં મૈટિયો બેરેટિનને ૬-૩, ૬-૨,૬-૭, ૭-૫થી હરાવ્યો હતો. આ સાથે તે ૪૦મી વખત ગ્રૅન્ડ સ્લૅમની સેમી ફાઇનલમાં પહોંચ્યો હતો. બુધવારે રાતે રમાયેલી મૅચ બાદ તેણે કહ્યું હતું ‘મૅચ ખરેખર રસપ્રદ હતી. સમગ્ર મૅચ દરમ્યાન હું ટેન્શનમાં હતો. છેલ્લાં ત્રણ સપ્તાહથી હું જે રીતે ટેનિસ રમી રહ્યો છું એનાથી ખુશ છું. મને વિશ્વાસ છે કે હું જીતી શકું છું.’

નડાલ સામેની મૅચને તેણે સૌથી મોટો પડકાર ગણાવી હતી. નડાલ ૨૧ ગ્રૅન્ડ સ્લૅમ જીતવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તે ૧૩ વખત ફ્રેન્ચ ઓપન જીતી ચૂક્યો છે. જૉકોવિચે કહ્યું કે ‘નડાલ સામેની મૅચ કોઈ સામાન્ય નહીં હોય. નડાલ તેની કરીઅરમાં અહીં સૌથી વધુ સફળ રહ્યો છે. જ્યારે પણ અમારી વચ્ચે ટક્કર થાય છે ત્યારે વધારે ટેન્શન અને અપેક્ષા હોય છે. તેની સાથે કોર્ટ પર જતાં અલગ પ્રકારનાં કંપનો અનુભવાય છે. એથી જ અમારી વચ્ચેની સ્પર્ધા આટલી મહત્ત્વની છે. તેની સામે રમવા મળતાં હું ખુશ છું. ફેડરર અને નડાલ સામેની સ્પર્ધાએ મને મજબૂત બનાવ્યો છે. નડાલ મારી કરીઅરનો સૌથી મોટો પ્રતિસ્પર્ધી છે.’ 

બીજી સેમી ફાઇનલ સ્ટિફાનોસ ત્સીત્સીપાસ અને ઍલેક્ઝાન્ડર ઝ્‍વેરેવ વચ્ચે રમાશે. 

novak djokovic rafael nadal tennis news sports news sports