04 February, 2025 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રમેશબાબુ પ્રજ્ઞાનંદ
નેધરલૅન્ડ્સમાં આયોજિત તાતા સ્ટીલ માસ્ટર્સ ચેસ-ટુર્નામેન્ટ ૨૦૨૫માં ૧૯ વર્ષનો રમેશબાબુ પ્રજ્ઞાનંદ પહેલી વાર ચૅમ્પિયન બન્યો છે. તેણે ૧૮ વર્ષના વર્લ્ડ ચૅમ્પિયન ડી. ગુકેશને ટાઇબ્રેકર મૅચમાં ૨-૧થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. ભારતના સ્ટાર ચેસ-પ્લેયર વિશ્વનાથન આનંદ બાદ આ ટાઇટલ જીતનાર તે બીજો ભારતીય છે. વિશ્વનાથને પાંચ વાર આ ટાઇટલ પોતાના નામે કર્યું છે. વર્ષ ૨૦૦૬ બાદ પહેલી વાર કોઈ ભારતીય પ્લેયર આ ટાઇટલ જીત્યો છે.
વર્ષ ૧૯૩૮થી રમાતી આ ટુર્નામેન્ટમાં ફાઇનલ ૧૩મા રાઉન્ડ સુધી ટૉપ સ્કોર ધરાવતો પ્લેયર વિજેતા બને છે. એક જેવા ટૉપ સ્કોર ધરાવતા ગ્રૅન્ડમાસ્ટર્સને પણ સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવતા હતા, પણ ૨૦૧૮થી વિજેતા નક્કી કરવા માટે ટાઇબ્રેકર મૅચનો સહારો લેવામાં આવે છે. પ્રજ્ઞાનંદ અને ગુકેશ પોતપોતાની ૧૩મા રાઉન્ડની મૅચ હારી જતાં તેમનો ટોટલ સ્કોર ૮.૫થી બરાબર થયો હતો જેના કારણે આ બન્ને ભારતીય પ્લેયર્સ વચ્ચે ટાઇબ્રેકર મૅચ રમાઈ હતી. ગુકેશને સતત બીજા વર્ષે આ ટુર્નામેન્ટમાં ટાઇબ્રેકરમાં હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી વખતે તે ચીનના પ્લેયર સામે હારીને રનર-અપ બન્યો હતો.