મેસી અને નેમાર એકેય ગોલ ન કરી શક્યા : મૅચ ૦-૦થી ડ્રૉ

26 October, 2021 04:16 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ફ્રેન્ચ ફુટબૉલમાં વેલેડ્રોમ સ્ટેડિયમ ખાતેની આ મૅચ પરંપરાગત રીતે સૌથી મોટી ગણાતી હતી અને એમાં સુપરસ્ટાર મેસી ગોલ કરવામાં નિષ્ફળ ગયો

માર્સેઇલમાં રવિવારે ફ્રેન્ચ લીગની મૅચમાં એક ગોલ કર્યા બાદ પીઅએજીનો આર્જેન્ટિન ફૉર્વર્ડ ખેલાડી મેસી અને બ્રાઝિલિયન સાથી-ફૉર્વર્ડ ભેટી પડ્યા હતા, પરંતુ વિડિયો રેફરીએ એ ગોલ નકારી દેતાં બન્ને ખેલાડીઓ નિરાશ થયા હતા. (તસવીર : એ.એફ.પી.)

ફ્રાન્સના માર્સેઇલમાં રવિવારે ફુટબૉલ જગતના એક સુપરસ્ટાર અને બીજા સ્ટાર ખેલાડીની હાજરી છતાં મૅચ ડ્રૉ ગઈ હતી. ફ્રેન્ચ લીગમાં પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી)ના આર્જેન્ટિન ખેલાડી લિયોનેલ મેસી અને બ્રાઝિલિયન પ્લેયર નેમારને માર્સેઇલની ટીમે ડિફેન્સની જાળ સતતપણે બિછાવી રાખીને ગોલ કરવાની એક પણ તક નહોતી આપી. આ મૅચ ૦-૦થી ડ્રૉ ગઈ હતી.

ફ્રેન્ચ ફુટબૉલમાં વેલેડ્રોમ સ્ટેડિયમ ખાતેની આ મૅચ પરંપરાગત રીતે સૌથી મોટી ગણાતી હતી અને એમાં સુપરસ્ટાર મેસી ગોલ કરવામાં નિષ્ફળ ગયો. ૫૬મી મિનિટે અશરફ હકીમીને રેડ કાર્ડ બતાવવામાં આવતાં પીએસજીની ટીમમાં ૧૧માંથી ૧૦ ખેલાડી થઈ ગયા હતા. ફર્સ્ટ હાફમાં બન્ને ટીમે એક-એક વાર ગોલ કર્યો હતો, પરંતુ ઑફ-સાઇડને કારણે રેફરીએ ગોલ નકારી કાઢ્યા હતા. આ મૅચ ડ્રૉ જવાને કારણે પૉઇન્ટ્સ-ટેબલ પર ટોચ પર પીએસજીનો લેન્સ સાથેનો તફાવત ઘટી ગયો હતો.

અન્ય ટુર્નામેન્ટમાં શું થયું?

૧. ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)માં લિવરપુલે મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ)ને ૫-૦થી હરાવીને સનસનાટી મચાવી દીધી હતી. એમયુના પૉલ પૉગ્બાને ૬૦મી મિનિટે રેડ કાર્ડ બતાવાયું હતું. લિવરપુલ વતી મોહમ્મદ સાલાહે ૩૮મી, ૪૫મી અને ૫૦મી મિનિટે ગોલ કર્યો હતો, જ્યારે બીજા બે ગોલ નેબી કેઇટા અને ડિયોગો જોટાએ કર્યો હતો. આ જ સ્પર્ધામાં મૅન્ચેસ્ટર સિટીએ બ્રાઇટનને ૪-૧થી, લિસ્ટર સિટીએ બ્રેન્ટફર્ડને ૨-૧થી અને વેસ્ટ હૅમે ટોટનહૅમને ૧-૦થી હરાવ્યું હતું.

૨. યુવેન્ટ્સની ટીમ ઇટલીની સેરી-એ સ્પર્ધામાં મિલાન ખાતે ઇન્ટર મિલાન સામેની મૅચ ૦-૧થી હારવાની તૈયારીમાં જ હતી, પણ ૮૯મી મિનિટે પાઉલો ડાયબાલાએ ગોલ કરીને સ્કોર ૧-૧થી સમાન કરી દેતાં મૅચ ડ્રૉ ગઈ હતી.

૩. બાર્સેલોનાની લા લીગા ટુર્નામેન્ટમાં બાર્સેલોનાની ટીમ ઘરઆંગણે

૮૬,૦૦૦ પ્રેક્ષકોની હાજરીમાં રિયલ મૅડ્રિડ સામેનો મુકાબલો ૧-૨થી હારી જતાં યજમાન ટીમની ખૂબ ટીકા થઈ હતી. મૅચ પછી બાર્સેલોનાના કોચ રોનાલ્ડ કૉમેન પાછા જઈ રહ્યા હતા ત્યારે ગુસ્સે ભરાયેલા કેટલાક લોકો તેમની કારને ઘેરી વળ્યા હતા અને અપશબ્દો સાથે તેમનો હુરિયો બોલાવ્યો હતો.

sports sports news football