બે દાયકાની પ્રોફેશનલ ટેનિસ કરીઅરનો રોહન બોપન્નાએ આણી દીધો અંત

02 November, 2025 10:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે પૅરિસ ઑલિમ્પિક્સ પછી ભારત માટે રમવાનું છોડ્યું હતું

રોહન બોપન્ના

ભારતીય ટેનિસ દિગ્ગજ રોહન બોપન્નાએ ૪૫ વર્ષની ઉંમરે પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનારા માત્ર ચાર ભારતીયોમાંના એક રોહન બોપન્નાની બાવીસ વર્ષની પડકારજનક કરીઅરનો આ સાથે અંત આવ્યો છે.  

તેણે ‘અ ગુડબાય... બટ નૉટ ધી એન્ડ’ ટાઇટલ સાથે સોશ્યલ મીડિયા પર ઇમોશનલ પોસ્ટ શૅર કરતાં લખ્યું હતું, ‘ભારતના કુર્ગના એક નાના શહેરથી મારી સફર શરૂ કરી હતી. મારી સર્વિસ મજબૂત કરવા માટે લાકડાં કાપવાનું, સ્ટેમિના બનાવવા માટે કૉફીના બગીચાઓમાં દોડવાનું, તૂટેલી કોર્ટ પર સપનાંઓનો પીછો કરવાનું અને વિશ્વનાં સૌથી મોટાં મેદાનોના પ્રકાશ હેઠળ ઊભા રહેવાનું હવે અવાસ્તવિક લાગે છે.’

પ્રોફેશનલ પ્લેયર તરીકે તે હાલમાં પૅરિસ માસ્ટર્સમાં રમ્યો હતો.

ગયા વર્ષે પૅરિસ ઓલિમ્પિક્સ પછી ભારત માટેની ટેનિસ-કરીઅર સમાપ્ત કરનાર કર્ણાટકનો આ પ્લેયર સિંગલ્સ કરતાં ડબલ્સમાં વધારે સારું રમ્યો છે. તે બે દાયકાની ટેનિસ-સફરમાં ડબલ્સ ઇવેન્ટમાં ૨૬ ટાઇટલ અને મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટમાં એક ટાઇટલ જીત્યો છે, પણ સિંગલ્સ ઇવેન્ટમાં એકેય ટાઇટલ નથી જીત્યો. 

sports news sports tennis news rohan bopanna social media