બન્ને હાથ ન ધરાવતી તીરંદાજ શીતલ દેવીએ અમદાવાદમાં કરી કમાલ

10 September, 2026 07:14 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

રોમાંચક ફાઇનલમાં જીત્યો ગોલ્ડ મેડલ: મુકાબલો બરાબરી પર રહ્યા બાદ શૂટ-ઑફમાં ૧૦-૯થી કઝાખસ્તાનની સ્પર્ધકને પરાજિત કરીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી: વર્લ્ડ આર્ચરી પૅરા-સિરીઝમાં ભારતે કુલ ૧૩ મેડલ જીત્યા

ફાઇનલ મૅચમાં સચોટ નિશાન સાધતી શીતલ દેવી.

અમદાવાદમાં યોજાયેલી દિવ્યાંગો માટેની વર્લ્ડ આર્ચરી પૅરા-સિરીઝ 2026 સ્પર્ધામાં મહિલાઓની વ્યક્તિગત પૅરા-કમ્પાઉન્ડની ફાઇનલમાં રોમાંચક બનેલા મુકાબલામાં બન્ને હાથ ન ધરાવતી ભારતની શીતલ દેવીએ કઝાખસ્તાનની આઇઝાદા સેઇદાનને પરાજિત કરીને ગોલ્ડ મેડલ જીતીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. આ ઉપરાંત તેણે આ ટુર્નામેન્ટમાં કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ પણ જીત્યો હતો.   

આર્ચરી અસોસિએશન ઑફ ઇન્ડિયા દ્વારા ગુજરાત સરકાર, સ્પોર્ટ્‍સ ઑથોરિટી ઑફ ગુજરાત અને સ્પોર્ટ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના સહયોગથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી તીરંદાજીની આ સ્પર્ધામાં વિશ્વભરમાંથી ૨૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ફાઇનલમાં  ભારતની શીતલ દેવીએ શ્રેષ્ઠ દેખાવ કરતાં કઝાખસ્તાનની આઇઝાદા સેઇદાન સામેની  રોમાંચક ફાઇનલ મૅચમાં મુકાબલો ૧૪૪–૧૪૪ના સ્કોર પર ટાઇ થયો હતો. જોકે એ પછી શીતલ દેવીએ શૂટ-ઑફમાં ૧૦-૯થી વિજય મેળવીને ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો. શીતલ દેવીએ વિજય મેળ્યા બાદ તેની મમ્મી શક્તિ દેવીને મળીને ખુશી વ્યક્ત કરી હતી. 

ગઈ કાલે પૂરી થયેલી વર્લ્ડ આર્ચરી પૅરા-સિરીઝ 2026માં ભારતે ૪ ગોલ્ડ, બે સિલ્વર અને ૭ બ્રૉન્ઝ મેડલ સાથે કુલ ૧૩ મેડલ જીત્યા હતા. ઉલ્લેખનીય વાત એ હતી કે આર્ચરીની આ સ્પર્ધાના છેલ્લા દિવસે સ્પોર્ટ્‍સ ઑથોરિટી ઑફ ગુજરાતની અમદાવાદ, નડિયાદ અને હિંમતનગરની ડિસ્ટ્રિક્ટ લેવલની સ્કૂલના સ્પોર્ટ્‍સ સ્ટુડન્ટ્સ આવ્યા હતા. તેમણે શીતલ દેવી સહિતના ભારતીય ખેલાડીઓને ચિયરઅપ કરીને તેમનો જુસ્સો વધાર્યો હતો.

sheetal devi ahmedabad shailesh nayak sports news sports