સાઉથ કોરિયાએ રોનાલ્ડોની ટીમને આપી મહાત

04 December, 2022 05:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાર્યા છતાં પહેલી બે મૅચ જીતનાર પોર્ટુગલની ટીમ પહોંચી પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં

મેદાનમાં ટોળે વળીને ઉરુગ્વે અને ઘાનાની મૅચ જોતા સાઉથ કોરિયાના ખેલાડીઓ.

કતારમાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડ કપમાં શુક્રવારે ‘એચ’ ગ્રુપમાં બે મહત્ત્વની મૅચ રમાઈ હતી. એક મૅચ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની કૅપ્ટનશિપવાળી પોર્ટુગલ અને સાઉથ કોરિયા વચ્ચે રમાઈ હતી, તો બીજી મૅચ ઘાના અને ઉરુગ્વે વચ્ચે રમાઈ હતી. બન્ને મૅચ બાદ આ ગ્રુપમાંથી પ્રી-ક્વૉર્ટર ફાઇનલ માટે પોર્ટુગલ અને સાઉથ કોરિયાએ ક્વૉલિફાય કર્યું હતું.

રોનાલ્ડોની ટીમે પોતાની પહેલી બે મૅચ જીતીને નૉકઆઉટ રાઉન્ડમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું હતું, પરંતુ ત્રીજી મૅચમાં તે સાઉથ કોરિયા સામે હારી ગઈ હતી. કોરિયાની ટીમે પોર્ટુગલને ૨-૧થી હરાવ્યું હતું. હાર્યા છતાં પોર્ટુગલ પોતાના ગ્રુપમાં ટોચ પર રહેતાં પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયું હતું. મૅચમાં પહેલો ગોલ પોર્ટુગલના ખેલાડીએ મૅચ શરૂ થવાની પાંચમી મિનિટે જ કર્યો હતો, પરંતુ સાઉથ કોરિયાએ ૨૭મી મિનિટે ગોલ કરીને મૅચ બરાબરીમાં લાવી દીધી હતી. એક્સ્ટ્રા ટાઇમમાં કોરિયાએ ગોલ કરીને મૅચ ૨-૧થી જીતી લીધી હતી.

જીત્યું છતાં બહાર

બીજી મૅચમાં ઉરુગ્વેએ શરૂઆતથી જ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. મૅચના પહેલા હાફમાં ઉરુગ્વેના ખેલાડી જ્યૉર્જિયન ડી અરાસ્કેટાએ પહેલાં ૨૬મી મિનિટે અને ત્યાર બાદ ૩૨મી મિનિટે ગોલ કર્યા હતા. આ જીત છતાં ઉરુગ્વેની ટીમ નૉકઆઉટ રાઉન્ડ માટે ક્વૉલિફાય કરી શકી નહોતી.

૯૨ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર

સાઉથ કોરિયા પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચશે કે નહીં એ ઉરુગ્વે અને ઘાના વચ્ચેની મૅચના પરિણામ પર નિર્ભર હતું, જે મૅચ પૂરી થવાને ૬ મિનિટ બાકી હતી એટલે સાઉથ કોરિયાના ખેલાડીઓ તેમ જ કોચ મેદાનમાં ટોળે વળીને ઊભા હતા. આ જ પ્રમાણે સાઉથ કોરિયાના સમર્થકો પણ મોબાઇલમાં મૅચ જોઈ રહ્યા હતા. ઉરુગ્વેની ટીમ બે ગોલ તો કરી ચૂકી હતી, પરંતુ વધુ એક ગોલ ન કરી શકતાં આખરે સાઉથ કોરિયા જ બીજા નંબરે રહીને આગળ વધ્યું. ફિફાના ૯૨ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત આવી રસાકસી જોવા મળી હતી.

આજની લાઇવ મૅચ

ફ્રાન્સ v/s પોલૅન્ડ રાઉન્ડ ૧૬ - રાતે ૮.૩૦  
ઇંગ્લૅન્ડ v/s સેનેગલ  રાઉન્ડ ૧૬ - રાતે ૧૨.૩૦

sports news football