સ્પેન બીજી વખત વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું, ફ્રાન્સને સતત ત્રીજી ફાઇનલમાં પહોંચતાં અટકાવ્યું

16 July, 2026 10:47 AM IST  |  Texas | Gujarati Mid-day Correspondent

બાવીસમી મિનિટની પેનલ્ટી કિક બાદ ૫૮મી મિનિટના ગોલના આધારે સ્પેને ૧૬ વર્ષે એટલે કે ૨૦૧૦ પછી બીજી વખત ફાઇનલમાં એન્ટ્રી કરી હતી

સ્પેનના લમિન યમાલ અને ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પે વચ્ચે ફુટબૉલ વર્લ્ડ કપ 2026ની પહેલી સેમી-ફાઇનલમાં જબરદસ્ત રસાકસી જોવા મળી.

ફ્રાન્સ સામે ૨-૦થી મૅચ જીતીને સતત ૩૭ મૅચમાં અપરાજિત રહેવાના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી સ્પેનની ટીમે ડૅલસ સ્ટેડિયમમાં ગઈ કાલે ફુટબૉલ વર્લ્ડ કપ 2026ની પહેલી સેમી-ફાઇનલમાં સ્પેનની ટીમે ૨-૦થી ફ્રાન્સ સામે જીત નોંધાવી હતી. બાવીસમી મિનિટની પેનલ્ટી કિક બાદ ૫૮મી મિનિટના ગોલના આધારે સ્પેને ૧૬ વર્ષે એટલે કે ૨૦૧૦ પછી બીજી વખત ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.

૨૦૧૦માં એક વખત ચૅમ્પિયન બનેલી સ્પેનની ટીમે ૧૯૯૮ અને ૨૦૧૮નું ટાઇટલ જીતનાર ફ્રાન્સને સતત ત્રીજી વખત વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચતાં અટકાવ્યું હતું. ૨૦૨૨માં ફ્રાન્સની ટીમ આર્જેન્ટિના સામે હારીને રનર-અપ રહી હતી.

૨૦ જુલાઈએ સ્પેન ફાઇનલમાં બીજી સેમી-ફાઇનલની વિજેતા ટીમ સામે ટકરાશે. ફ્રાન્સ ૧૯ જુલાઈએ બીજી સેમી-ફાઇનલ મૅચ હારનાર ટીમ સામે ત્રીજા સ્થાન માટે મૅચ રમશે.

સ્પેનની ટીમ એક વર્લ્ડ કપની ૬ મૅચોમાં ક્લીન શીટ રાખનારી એટલે કે એક પણ ગોલ ન થવા દેનારી પહેલી ટીમ બની છે. આખી ટુર્નામેન્ટની સાત મૅચમાંથી માત્ર ક્વૉર્ટર ફાઇનલમાં સ્પેને બેલ્જિયમ સામે એક ગોલ આપ્યો હતો.

સ્પેનની ટીમે ઇન્ટરનૅશનલ ફુટબૉલમાં સતત ૩૭ મૅચમાં અપરાજિત રહીને વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી છે. ૨૦૧૮ અને ૨૦૨૧ વચ્ચે ઇટલીની ટીમ ૩૭ મૅચમાં અપરાજિત રહી હતી. ઇટલીનો આ જીતનો સિલસિલો સ્પેનની ટીમે UEFA નેશન્સ લીગ સેમી-ફાઇનલમાં અટકાવ્યો હતો.

ત્રણ વર્ષમાં ત્રણ અલગ અલગ ટુર્નામેન્ટની સેમીમાં ફ્રાન્સ સામે સ્પેનની જીત

સ્પેને સતત ત્રણ વર્ષમાં ત્રણ અલગ-અલગ ટુર્નામેન્ટની સેમી-ફાઇનલમાં ફ્રાન્સને હરાવ્યું છે. ગઈ કાલની સેમી-ફાઇનલ પહેલાં સ્પેને યુરો કપ 2024 સેમી-ફાઇનલમાં ફ્રાન્સ સામે ૨-૧થી વિજય મેળવ્યો હતો અને ત્યાર બાદ UEFA નેશન્સ લીગ 2025ની સેમી-ફાઇનલમાં ૫-૪થી જીત નોંધાવી હતી.

fifa world cup football france spain sports sports news