31 October, 2026 09:34 AM IST | Saudi Arabia | Gujarati Mid-day Correspondent
રોનાલ્ડોએ હૅટ-ટ્રિક ગોલ ફટકાર્યા
સાઉદી પ્રો લીગમાં ૪૧ વર્ષના ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ તરખાટ મચાવ્યો છે. ગઈ કાલે અલ-નાસર માટે રમતા સમયે રોનાલ્ડોએ અલ-ખોલૂદ ક્લબ સામે ૫-૩ની જીતમાં મોટું યોગદાન આપ્યું હતું. તેણે પોતાની ફુટબૉલ-કરીઅરની રેકૉર્ડ ૬૭મી હૅટ-ટ્રિક નોંધાવી હતી.
રોનાલ્ડોએ ૬૬મી, ૭૨મી અને ૮૧મી મિનિટે એમ ૧૫ મિનિટમાં ત્રણ ગોલ કરીને કરીઅરના ટોટલ ગોલની સંખ્યા ૯૮૫ સુધી પહોંચાડી હતી. રોનાલ્ડો હવે ૧૦૦૦ કરીઅર ગોલ સુધી પહોંચનાર ઇતિહાસનો પ્રથમ ખેલાડી બનવાથી માત્ર ૧૫ ગોલ દૂર છે.
સ્વિટ્ઝરલૅન્ડના ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર રૉજર ફેડરરના હોમટાઉન બાસેલમાં સર્બિયાનાં નોવાક જૉકોવિચને કારમી હારનો સામનો કરવો પડ્યો. ૧૫ વર્ષ પછી સ્વિસ ઇન્ડોર્સ ટુર્નામેન્ટ રમવા આવેલા નોવાક જૉકોવિચને બીજા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
જર્મનીના જૅન-લેનાર્ડ સ્ટ્રફે સ્ટાર નોવાક જૉકોવિચ સામે છેક નવમી મૅચમાં ૬-૭, ૭-૫, ૭-૬ના સ્કોરલાઇનથી પહેલી જીત નોંધાવી હતી. રેકૉર્ડ ૨૪ વખત ગ્રૅન્ડ સ્લૅમ સિંગલ્સ ચૅમ્પિયન બનેલા નોવાક જૉકોવિચે આ મહિનાની શરૂઆતમાં બીજિંગમાં પોતાની કરિયરનું ૧૦૨મું ટાઇટલ જીત્યું હતું.
સૌથી વધુ ટાઇટલ જીતનાર પ્લેયર્સના લિસ્ટમાં અમેરિકાનો જિમી કૉનર્સ (૧૦૯ ટાઇટલ) અને રૉજર ફેડરર (૧૦૩ ટાઇટલ) સૌથી આગળ છે.
અમદાવાદમાં આયોજિત પ્રથમ કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપ 2026માં આજે સાંજે ૭.૩૦ વાગ્યાથી વિમેન્સ ટાઇટલ માટે જંગ થશે. યજમાન ભારત અને યુગાન્ડા ફાઇનલ સુધી પહોંચ્યાં છે. ગ્રુપ Aની મૅચમાં યુગાન્ડા સામે ભારત ૪૧-૧૮ના સ્કોરથી જીત્યું હતું.
ગઈ કાલે સેમી-ફાઇનલમાં ભારતીય ટીમે શ્રીલંકા સામે ૩૯-૧૪ની સ્કોરલાઇન સાથે જીત નોંધાવી હતી. હાફ ટાઇમમાં ભારતે ૨૪-૭ના સ્કોરથી લીડ મેળવી હતી. યુગાન્ડાને કેન્યા સામે છેલ્લી ઘણીએ ૨૩-૨૧નાં સ્કોરથી જીત મળી હતી.
આજે કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપ 2026માં રાત્રે ૯ વાગ્યાથી મેન્સ ટાઇટલ જીતવા માટે ભારત અને શ્રીલંકા વચ્ચે જંગ જામશે. સેમી-ફાઇનલમાં ભારતીય ટીમે ૫૬-૨૭નાં સ્કોરથી બંગલાદેશને માત આપી હતી. શ્રીલંકાએ બીજી સેમી-ફાઇનલમાં કેન્યા સામે ૨૮-૨૪થી રસપ્રદ જીત મેળવી હતી. શ્રીલંકાને પોતાના અભિયાનમાં હાલમાં જ ભારત સામે એકમાત્ર હાર મળી હતી.
પંજાબના જાલંધરમાં ગઈ કાલે ભારતીય મેન્સ હૉકી ટીમે જપાન સામે ૪-૧થી જીત નોંધાવી હતી. અભિષેક કુમારે બે ગોલ, હરમનપ્રીત સિંહ અને વિષ્ણુકાંત સિંહે એક-એક ગોલ નોંધાવ્યો હતો. ડિફેન્ડિંગ ચૅમ્પિયન નવ સીઝનમાંથી આઠમી સીઝનમાં સેમી-ફાઇનલમાં પહોંચી છે. માત્ર ૨૦૧૩માં પાંચમા ક્રમે રહીને ભારતીય ટીમ ટૉપ ફોરથી બહાર રહી હતી.