સુનીલ છેત્રી પેલેની બરાબરીમાં, મેસીથી માત્ર ત્રણ ડગલાં દૂર

12 October, 2021 05:19 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફુટબોલર લિયોનેલ મેસીના ૮૦ ગોલથી છેત્રી હવે માત્ર ત્રણ ડગલાં દૂર છે

સુનીલ છેત્રી

ભારતના ૩૭ વર્ષના ફુટબૉલ-સ્ટાર સુનીલ છેત્રીએ રવિવારે માલેમાં આયોજિત ‘સાફ’ ફુટબૉલ સ્પર્ધામાં નેપાલ સામેના મુકાબલામાં મૅચ-વિનિંગ ગોલ્ડન ગોલ કરવાની સાથે કુલ ઇન્ટરનૅશનલ ગોલની સંખ્યામાં બ્રાઝિલના મહાન ફુટબોલર પેલેની બરાબરી કરી લીધી હતી. પેલેએ ૯૨ મૅચમાં ૭૭ ગોલ કર્યા હતા અને છેત્રીના ૧૨૩ મૅચમાં ૭૭ ગોલ થયા છે. આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફુટબોલર લિયોનેલ મેસીના ૮૦ ગોલથી છેત્રી હવે માત્ર ત્રણ ડગલાં દૂર છે.

‘સાફ’ સ્પર્ધામાં બંગલા દેશ સામેની મૅચ ૧-૧થી ડ્રૉ થયા બાદ શ્રીલંકા સામેનો મુકાબલો ૦-૦થી અનિર્ણીત રહ્યો હતો. રવિવારે નેપાલ સામે ભારતે છેક ૮૩મી મિનિટે કૅપ્ટન છેત્રીએ કરેલા ગોલની મદદથી ૧-૦ના માર્જિન સાથે જરૂરી વિજય મેળવીને પોતાને સ્પર્ધાની બહાર જતાં અટકાવી લીધું હતું. હવે ભારતે ૧૬ ઑક્ટોબરની ફાઇનલમાં પહોંચવા માટે આવતી કાલે મૉલદીવ્ઝને હરાવવું પડશે.

sports sports news football Sunil Chhetri