મેસીને પછાડીને સુનીલ છેત્રી હાલમાં રમી રહેલા ખેલાડીઓમાં બીજા નંબરે

09 June, 2021 03:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર્જેન્ટિનિયન સ્ટારના ૭૨ ઇન્ટરનૅશનલ ગોલ સામે સોમવારના બંગલા દેશ સામેના બે ગોલ સાથે ભારતીય સ્ટારના હવે થઈ ગયા છે ૭૪ ગોલ, ઑલ ટાઇમ ટૉપ-ટેનમાં પ્રવેશ અને હાલમાં ઍક્ટિવ ખેલાડીઓમાં રોનાલ્ડોના ૧૦૩ ગોલ બાદ બીજા ક્રમાંકે

ફૂટબૉલ

સોમવારે દોહામાં ફુટબૉલ વર્લ્ડ કપ ૨૦૨૨ અને એશિયા કપ ૨૦૨૩ માટેના ક્વૉલિફાઇંગ મુકાબલામાં બંગલા દેશને ૨-૦થી પછાડ્યું હતું. આ બન્ને ગોલ ભારતીય કૅપ્ટન સુનીલ છેત્રીએ કર્યા હતા. ટીમને જીત અપાવવા ઉપરાંત કૅપ્ટન છેત્રી આર્જેન્ટિનિયન સ્ટાર લિઓનેલ મેસીને પાછળ રાખીને આગળ નીકળી ગયો હતો. 

૩૬ વર્ષના સુનીલ છેત્રીએ સોમવારે મૅચની ૭૯મી મિનિટે પહેલો ગોલ ફટકારીને ભારતને લીડ અપાવી હતી અને ત્યાર બાદ ઇન્જરી ટાઇમમાં વધુ એક ગોલ સાથે ટીમની જીત નિશ્ચિત કરી દીધી હતી. 

ભારત સાત મૅચમાં ૬ પૉઇન્ટ સાથે વર્લ્ડ કપ ૨૦૨૨ની રેસમાંથી બહાર થઈ ગયું છે, પણ એશિયા કપ ૨૦૧૩ માટેની આશા જીવંત રાખી છે. હવે ભારતની ટીમ ૧૫ જૂને અફઘાનિસ્તાન સામે રમશે. 

મેસીથી આગળ, રોનાલ્ડથી પાછળ
લિઓનેલ મેસીએ ગયા ગુરુવારે ચિલી સામે વર્લ્ડ કપ ક્વૉલિફાઇંગ મૅચમાં ગોલ ફટકારીને છેત્રીની બરોબરી કરી લીધી હતી, પણ છેત્રીએ સોમવારે બંગલા દેશ સામે બે ગોલ ફટકારીને ફરી મેસીને પાછળ રાખી દીધો હતો. મેસીના ૭૨ બૉલ સામે છેત્રીના હવે ૭૪ ઇન્ટરનૅશનલ ગોલ થઈ ગયા છે. નવાઈની વાત એ છે કે મેસી ૭૨ ગોલ માટે ૧૪૩ મૅચ રમ્યો છે, જ્યારે છેત્રીએ માત્ર ૧૧૭ મૅચમાં ૭૪ ગોલ ફટકાર્યા છે. જોકે હાલમાં રમી રહેલા ખેલાડીઓની વાત કરીએ તો છેત્રી હવે પોર્ટુગલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ૧૦૩ ગોલ બાદ બીજા નંબરે છે. ૭૩ ગોલ સાથે અલી મૅબખૌટ ત્રીજા નંબરે અને ૭૨ ગોલ સાથે મેસી ચોથા નંબરે છે. ઑલ ટાઇમ ટૉપ-ટેનમાં ઈરાનનો ખેલાડી ૧૦૯ ગોલ સાથે ટૉપમાં છે, જ્યારે રોનાલ્ડો ૧૦૩ ગોલ સાથે બીજા નંબરે છે. 

પટેલે કરી પ્રશંસા
છેત્રીની કમાલ બદલ ભારતીય ફુટબૉલ મહાસંઘના અધ્યક્ષ પ્રફુલ પટેલે ટ્વીટ કરીને ભારતીય ટીમને અને કૅપ્ટન સુનીલ છેત્રીને અભિનંદન આપ્યાં હતાં. પ્રફુલ પટેલે ટ્વીટ કર્યું હતું કે ‘આપણા કૅપ્ટન સુનીલ છેત્રીએ લિઓનેલ મેસીને પાછળ રાખીને ૭૪ ગોલ સાથે હાલના સક્રિય ખેલાડીઓમાં બીજા નંબરે પહોંચીને વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે. કૅપ્ટનને ખૂબ-ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં આવી અનેક ઉપલબ્ધિઓ હાંસલ કરે એવી શુભેચ્છા. 

football lionel messi Sunil Chhetri sports news sports