16 February, 2025 10:55 AM IST | Rome | Gujarati Mid-day Correspondent
વિશ્વના હાલના નંબર વન ટેનિસ-પ્લેયર યાનિક સિનર પર ત્રણ મહિનાનો પ્રતિબંધ લાગ્યો.
વિશ્વના હાલના નંબર વન ટેનિસ-પ્લેયર યાનિક સિનર પર ત્રણ મહિનાનો પ્રતિબંધ લાગ્યો છે. ૨૩ વર્ષના પ્લેયરે બે પૉઝિટિવ ડ્રગ પરીક્ષણો માટે વર્લ્ડ ઍન્ટિ-ડોપિંગ એજન્સી (WADA) સાથેના સમાધાનના ભાગરૂપે ત્રણ મહિનાનો પ્રતિબંધ સ્વીકારી લીધો છે. ગયા વર્ષે સિનર પર પ્રતિબંધ ન મૂકવાના ઇન્ટરનૅશનલ ટેનિસ ઇન્ટિગ્રિટી એજન્સીના નિર્ણયને WADAએ પડકાર્યો હતો. ગયા વર્ષે WADA સિનર પર ઓછામાં ઓછો એક વર્ષનો પ્રતિબંધ લાદવા માગતી હતી.
WADAએ ગયા વર્ષે સપ્ટેમ્બર ૨૦૨૪માં કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ (CAS)માં આ નિર્ણય સામે અપીલ કરી હતી. જોકે સિનરે ત્રણ મહિનાનો પ્રતિબંધ સ્વીકારતાં એજન્સીએ ઔપચારિક રીતે એની અપીલ પાછી ખેંચી લીધી છે. તેને ૯ ફેબ્રુઆરીથી ૪ મે સુધી રમવાથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તે ૭ મેથી રોમમાં શરૂ થનારી તેની હોમ-ટુર્નામેન્ટ ઇટાલિયન ઓપન માટે પરત ફરી શકે છે.
માર્ચ ૨૦૨૪માં સિનરના શરીરમાં પ્રતિબંધિત ઍનાબોલિક સ્ટેરૉઇડ ક્લોસ્ટેબોલના નિશાન મળી આવ્યા હતા. એનો ઉપયોગ સામાન્ય રીતે બૉડીબિલ્ડર પોતાના શરીર પર કરે છે. સિનરે કહ્યું હતું કે ટ્રેઇનર દ્વારા મસાજ દરમ્યાન આંગળી પર થયેલી ઇન્જરી પર એનો ઉપયોગ કર્યો હોઈ શકે છે. ઑગસ્ટમાં તેને આ મામલે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. ત્રણ ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર સિનર ૧૧,૮૩૦ પૉઇન્ટ સાથે હાલમાં નંબર વન ટેનિસ-પ્લેયર છે.