ઑલિમ્પિક્સમાં ભાગ લેનાર ત્રણ પ્લેયર્સ કોરોના-પૉઝિટિવ

19 July, 2021 04:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકાની ફુટબૉલ ટીમના બે ખેલાડીઓ તો ટોક્યોના ઑલિમ્પિક્સ વિલેજમાં જ રહેતા હતા : ગઈ કાલે રમત સાથે સંકળાયેલા વિવિધ ૧૦ કેસ પૉઝિટિવ આવ્યા હતા

તસવીર સૌજન્ય મિડ-ડે

ઑલિમ્પિક્સ વિલેજમાં રહેતા બે ખેલાડીઓ સહિત કુલ ત્રણ ખેલાડીઓની કોવિડ-ટેસ્ટ પૉઝિટિવ આવી છે. ટોક્યો ઑલિમ્પિક્સ આયોજન સમિતિએ ગઈ કાલે આ જાણકારી આપી હતી, જેમાં ૨૩ જુલાઈથી શરૂ થઈ રહેલા રમતોત્સવના સફળ આયોજનને લઈને શંકા થતી રહે છે. પહેલી વખત ઑલિમ્પિક્સ વિલેજમાં રહેતા સાઉથ આફ્રિકાની ફુટબૉલ ટીમના બે ખેલાડીઓ થોબિસો મોનિયાને અને કામોહેલો માહલાત્સી કોરોના સંક્રમિત થયા છે. આ પહેલાં સાઉથ આફ્રિકાની ટીમનો વિડિયો-ઍનલિસ્ટ મારિયો માશા જ્યારે ટોક્યો ઍરપોર્ટ પર આવ્યો ત્યારે જ તેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત પણ એક ખેલાડી છે જેનું નામ જાહેર કરાયું નથી, પરંતુ તે હજી વિલેજમાં આવ્યો નહોતો. તે હોટેલમાં હતો ત્યારે જ તેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.
સાઉથ આફ્રિકા ૨૨ જુલાઈથી જપાન સામે પહેલી મૅચ રમવાનું છે. સાઉથ આફ્રિકાની ટીમના મૅનેજરે પ્રેસને માહિતી આપતાં કહ્યું હતું કે અમારા કુલ ત્રણ કેસ પૉઝિટિવ આવ્યા છે, જેમાં બે ખેલાડી અને એક અધિકારી છે. માશા અને મોનિયાનેની દરરોજ ટેસ્ટ કરવામાં આવતી હતી, જેમાં એક વખત શરીરનું તાપમાન વધારે જણાતાં તેની વધુ ટેસ્ટ કરાઈ હતી, જેમાં રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે.’ સાઉથ આફ્રિકાની રગ્બી ટીમના કોચ નીલ પૉવેલનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવતાં તેમને આઇસોલેટ કરાયા છે. 
આયોજન સ​મિતિએ કોવિડ-19ના પૉઝિટિવ  કેસની યાદી જાહેર કરી હતી, જે મુજબ શનિવારે દિવસમાં કુલ ૧૦ કેસ બહાર આવ્યા છે. એમાં રમત સાથે સંબધિત પાંચ વ્યક્તિ, એક કૉન્ટ્રૅક્ટર અને એક પત્રકાર પણ 
સામેલ છે. સમિતિના રેકૉર્ડ મુજબ રમત સાથે સંકળાયેલા કોરોનાના કેસની સંખ્યા વધીને હવે ૫૫ થઈ છે. આયોજકોએ એ નહોતું જણાવ્યું કે બન્ને સંક્રમિત ખેલાડીઓને હજી સ્પોર્ટ્સ વિલેજમાં જ રાખવામાં આવ્યા છે કે તેમને અલગ સ્થાન પર ક્વૉરન્ટીન કરાયા છે.  

sports sports news