૩૭ વર્ષ બાદ ભારતીય હૉકી ટીમ ગ્રુપ-સ્ટેજમાં ત્રણ મૅચ જીતી

30 July, 2021 02:05 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

છેલ્લી બે મિનિટમાં બે ગોલ ફટકારીને ચૅમ્પિયન આર્જેન્ટિના સામે ૩-૧થી જીત મેળવીને ભારતીય પુરુષ હૉકી ટીમે ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ પાક્કો કરી લીધો

ભારતીય પુરુષ હૉકી ટીમ

છેલ્લી બે મિનિટમાં બે ગોલ ફટકારીને ચૅમ્પિયન આર્જેન્ટિના સામે ૩-૧થી જીત મેળવીને ભારતીય પુરુષ હૉકી ટીમે ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ પાક્કો કરી લીધો

આઠ ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય પુરુષ હૉકી ટીમ તેના અસલી ટચમાં આવી રહી હોવાનું લાગી રહ્યું છે. ઑસ્ટ્રેલિયા સામે ૧-૭થી સજ્જડ પરાજય બાદ સફાળી જાગેલી ભારતીય ટીમે સ્પેનને ૩-૦થી હરાવ્યા બાદ ગઈ કાલે હાલની ઑલિમ્પિક ચૅમ્પિયન આર્જેન્ટિનાને ૩-૧થી પછાડીને ક્વૉર્ટર ફાઇનલમાં સ્થાન પાક્કું કરી લીધું છે.

છેલ્લી બે મિનિટમાં બે ગોલ

ગઈ કાલે પહેલી બન્ને ક્વૉર્ટરમાં બન્ને ટીમ કોઈ ગોલ નહોતી કરી શકી. ત્રીજા ક્વૉર્ટરની ૪૩મી મિનિટે ભારતના વરુણકુમારે ગોલ કરીને ભારતને ૧-૦થી આગળ કરી દીધી હતી. જોકે ત્યાર બાદ તરત જ ૪૮મી મિનિટે આર્જેન્ટિનાએ ગોલ કરીને ૧-૧થી બરોબરી કરી લીધી હતી. મૅચ

સમાપ્ત થવાને બે જ મિનિટ બાકી હતી ત્યારે પણ સ્કોર ૧-૧ જ હોવાથી મૅચ ડ્રૉ રહેવાની શક્યતા લાગી રહી હતી, પણ  ૫૮મી મિનિટે વિવેક સાગર પ્રસાદ અને ૫૯ મિનિટે હરમનપ્રીત સિંહે ગોલ કરીને ચૅમ્પિયન આર્જેન્ટિનિયનોને ચોંકાવી દીધા હતા અને ડ્રૉની બાજી પલટીને જીતમાં ફેરવી દીધી હતી.

આ જીત સાથે ભારતે પૂલ-‘એ’માં ત્રણ જીત સાથે બીજા નંબરનું સ્થાન પાક્કું કરી લીધું હતું. ઑસ્ટ્રેલિયા પહેલા નંબરે છે. ચૅમ્પિયન આર્જેન્ટિના સેકન્ડ

લાસ્ટ પાંચમા નબરે છે. ભારત હવે આજે તેની છેલ્લી પૂલ મૅચમાં યજમાન જપાન સામે ટકરાશે.

આજે જીત્યા તો ૧૯૭૨ની કમાલની બરોબરી

ગઈ કાલની જીત એ ભારતની ગ્રુપ-સ્ટેજમાં ત્રીજી જીત હતી. આ સાથે ભારતીય હૉકી ગ્રુપ-સ્ટેજમાં ૩૭ વર્ષ બાદ ૩ મૅચ જીતવામાં સફળ રહી છે. છેલ્લે આવું તેમણે ૧૯૮૪માં કર્યું હતું. હવે જો આજે છેલ્લી મૅચમાં તેઓ યજમાન જપાનને હરાવીને ચોથી મૅચ જીતવામાં સફળ થશે તો તેઓ ૧૯૭૨ના કારનામાની બરોબરી કરી લેશે. ૧૯૭૨ ઑલિમ્પિક્સમાં ભારતીય ટીમ ૭ મૅચમાંથી પાંચ મૅચ જીતી હતી.

મહિલા ટીમ માટે આજે કરો યા મરો

નૉકઆઉટ રાઉન્ડ માટેની આશા જીવંત રાખવી હશે તો ભારતીય મહિલા હૉકી ટીમે  આજે પુરુષ ટીમ પાસેથી પ્રેરણા લઈને પર્ફોર્મન્સમાં સુધારો કરવો પડશે. મહિલા ટીમ તેની ત્રણેય મૅચ હારી ગઈ છે અને આજે નવમી ક્રમાંકિત આયરલૅન્ડ સામે તેઓ કરો યા મરો સમાન જંગ માટે મેદાનમાં ઊતરશે. જો મહિલા ટીમ આજે પણ હારી ગઈ તો નૉકઆઉટ રાઉન્ડ માટે બધા જ દરવાજા તેમના માટે બંધ થઈ જશે, પણ જો આજે જીતી અને ત્યાર બાદ છેલ્લી મૅચમાં સાઉથ આફ્રિકા સામે પણ જીતશે અને બીજી મૅચોનાં પરિણામ પણ જો ફેવરમાં આવ્યાં તો ટીમનો નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ થઈ શકે છે.

sports sports news tokyo tokyo olympics 2020