Tokyo Olympics 2020: જાણો ગઈકાલે શું બન્યું

05 August, 2021 12:10 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

સેમી ફાઇનલમાં હાર્યો ભારતીય પહેલવાન દીપક પુનિયા; વિઘ્નદોડમાં સિડનીએ પોતાનો વર્લ્ડ રેકૉર્ડ તોડીને જીત્યો ગોલ્ડ અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

સિંધુનું હૈદરાબાદમાં સન્માન

ટોક્યો ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર પી. વી. સિંધુ ગઈ કાલે હૈદરાબાદ પહોંચી હતી. બે ઑલિમ્પિકમાં બે મેડલ જીતનાર પહેલી મહિલા ખેલાડીનું ઘરઆંગણે ભવ્ય સ્વાગત થયું હતું. તેલંગણના સ્પોર્ટ્સ મિનિસ્ટર વી. શ્રીનિવાસ ગૌડ એને આવકારવા અહીંના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પણ ગયા હતા. પ્રધાને સિંધુ તેમ જ તેના પેરન્ટ્સનું સન્માન કરી એવી આશા વ્યક્ત કરી હતી કે આગામી ઑલિમ્પિક્સમાં તે ગોલ્ડ મેડલ જીતશે. સિંધુએ પ્રધાન તેમ જ રાજ્ય સરકારનો તેમણે આપેલા સહકાર બદલ આભાર માન્યો હતો. એ પહેલાં મંગળવારે નવી દિલ્હીમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને અનુરાગ ઠાકુરે તેનું સ્વાગત કર્યું હતું.

 

સેમી ફાઇનલમાં હાર્યો ભારતીય પહેલવાન દીપક પુનિયા

ભારતીય પહેલવાન દીપક પુનિયાને સેમી ફાઇનલમાં અમેરિકાના ડેવિડ મોરિસ ટેલરે ૮૬ કિલોગ્રામ કૅટેગરીમાં સરળતાથી હરાવ્યો હતો. ૨૦૧૮ના વર્લ્ડ ચૅમ્પિયન અને હાલના પૅન-અમેરિકન ચૅમ્પિયનને હરાવવા દીપક માટે મોટો પડકાર હતો. હવે તે બ્રૉન્ઝ મેડલ માટે આજે લડશે.

 

વિઘ્નદોડમાં સિડનીએ પોતાનો વર્લ્ડ રેકૉર્ડ તોડીને જીત્યો ગોલ્ડ

૪૦૦ મીટર વિઘ્નદોડમાં અમેરિકાની ખેલાડી સિડની મૅક્લાઘલિને શાનદાર પ્રદર્શન કરતાં આ અંતર ૫૧.૪૬ સેકન્ડમાં કાપી પોતાનો જ જૂનો વર્લ્ડ રેકૉર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે અમેરિકાની જ ખેલાડી દાલાહ મોહમ્મદને હરાવી હતી. જૂન મહિનામાં મૅક્લાઘલિને આ અંતર ૫૧.૯૦ સેકન્ડમાં કાપીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. બીજી તરફ દાલાહ મોહમ્મદે પણ બે વખત ૨૦૧૯માં વર્લ્ડ રેકૉર્ડ બનાવવા ઉપરાંત એ વર્ષે વર્લ્ડ ચૅમ્પિયન પણ બની હતી. દાલાહ મોહમ્મદે ગઈ કાલે આ અંતર ૫૧.૫૮ સેકન્ડમાં કાપ્યું હતું.

 

મૅરથૉન સ્વિમિંગમાં બ્રાઝિલને ગોલ્ડ

ગઈ કાલે મહિલાઓની ૧૦ કિલોમીટર ઑલિમ્પિક મૅરથૉન સ્વિમિંગમાં બ્રાઝિલની માર્સેલા કુન્હાએ ગોલ્ડ જીત્યો હતો. કુન્હા ડિફેન્ડિંગ ચૅમ્પિયન નેધરલૅન્ડની શૅરોન વાન રોવેનડાલ કરતાં માત્ર કેટલીક સેકન્ડ જ આગળ હતી. કુન્હાએ ૧ કલાક ૫૯ મિનિટ ૩૦.૮ સેકન્ડમાં જ્યારે બીજા ક્રમાંકે આવનારી શૅરોને ૧ કલાક ૫૯ મિનિટ અને ૩૧.૭ સેકન્ડમાં આ રેસ પૂરી કરી હતી. ઑસ્ટ્રેલિયાની ખેલાડી કરીના લીએ ૧ કલાક ૫૯ મિનિટ અને ૩૨.૫ સેકન્ડનો સમય લઈ બ્રૉન્ઝ જીત્યો હતો. કુન્હાનો ત્રીજા ઑલિમ્પિક્સમાં આ પહેલો ગોલ્ડ છે. રિયો ગેમ્સમાં તે દસમા ક્રમાંક પર અને લંડન ઑલિમ્પિક્સમાં પાંચમા ક્રમાંકે રહી હતી.

 

આજે ઑલિમ્પિક્સમાં ભારત

ઍથ્લેટિક

પુરુષોની ૨૦ કિલોમીટર રેસ વૉકમાં કે. ટી. ઇરફાન, રાહુલ રોહિલા અને સંદીપ કુમાર :  બપોરે ૧ વાગ્યે

રેસલિંગ

મહિલાઓની ફ્રિસ્ટાઇલ ૫૩ કિલોગ્રામમાં વિનેશ ફોગાટ વિરુદ્ધ સોફિયા મગદાલેના મૅટસન

(સ્વિડન) : સવારે ૮ વાગ્યે

મહિલાઓની ફ્રીસ્ટાઇલ ૫૭ કિલોગ્રામમાં બીજા બાઉટમાં અંશુ મલિક વિરુદ્ધ વલેરિયા કોબ્લોવ (રશિયા) : સવારે ૭.૩૦ વાગ્યે

પુરુષોની ફ્રીસ્ટાઇલ ૫૭ કિલોગ્રામ કૅટેગરીની ફાઇનલમાં રવિ કુમાર વિરુદ્ધ ઝવુર ઉગુએવ (રશિયા)  : બપોરે ૨.૪૫ વાગ્યા પછી

પુરુષોની ફ્રીસ્ટાઇલ ૮૬ કિલોગ્રામ કૅટેગરીમાં બ્રૉન્ઝ મેડલમાં દીપક પુનિયાની મૅચ : બપોરે ૨.૪૫ વાગ્યા પછી

ગોલ્ફ

મહિલાઓની સ્ટૉક પ્લે રાઉન્ડમાં અદિતિ અશોક અને દીક્ષા ડાગર : સવારે ૪ વાગ્યે

હૉકી

પુરુષોની બ્રૉન્ઝ મેડલ મૅચમાં ભારત વિરુદ્ધ જર્મની : સવારે ૭ વાગ્યે

sports sports news tokyo