મહિલા હૉકીના ડ્રીમ રનનો અંત

05 August, 2021 12:04 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

ઑલિમ્પિકની સેમી ફાઇનલમાં આર્જેન્ટિનાએ ભારતીય ટીમને ૨-૧થી હરાવી, હવે બ્રૉન્ઝ માટે કાલે ગ્રેટ બ્રિટન સામે ટકરાશે

હારને કારણે હતાશ થયેલી ભારતીય ટીમ તેમ જ આંસુને રોકી ન શકેલી શર્મિલા દેવી

ટોક્યો ગેમ્સમાં રમાયેલી સેમી ફાઇનલ મૅચમાં ભારતીય મહિલા હૉકી ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું, જોકે એ ફાઇનલમાં જગ્યા મેળવવા માટે પૂરતું નહોતું. વિશ્વની બીજા ક્રમાંકની આર્જેન્ટિનાની ટીમે ભારતીય ટીમને ૨-૧થી હરાવી હતી. આ‍વતી કાલે ભારત બ્રૉન્ઝ મેડલ માટે બ્રિટન સામે ટકરાશે. ભારતીય ખેલાડી ગુરજીત કૌરે રમતની બીજી મિનિટમાં જ પેનલ્ટી કૉર્નરને ગોલમાં પરિવર્તિત કરી લીડ અપાવી હતી, પરંતુ બ્રાઝિલની કૅપ્ટન મારિયા બારિયોનુવે (૧૮ અને ૩૬મી મિનિટે) બે પેનલ્ટી કૉર્નરને ગોલમાં પરિવર્તિત કરી ટીમને વિજય અપાવ્યો હતો.

 ભારતીય ટીમ ત્રણ વખત ચૅમ્પિયન રહેલી ઑસ્ટ્રેલિયાને ૧-૦થી હરાવી પહેલી વખત સેમી ફાઇનલમાં પ્રવેશી હતી. મૅચ પહેલાંની  તમામ  ગણતરીઓ ભારતની વિરુદ્ધની હતી, પરંતુ કૅપ્ટન રાણી રામપાલ અને કોચ સૉર્ડ મારજને ગજબની આશાઓ જન્માવી હતી. આ પહેલાં ભારત ટીમ ૧૯૮૦ મૉસ્કો ગેમમાં કુલ છ ટીમ પૈકી ચોથા ક્રમાંકે આવી હતી. પહેલી વખત ભારતીય મહિલા ટીમ હૉકીની રમત રમી હતી. આ‍વતી કાલે નેધરલૅન્ડ અને આર્જેન્ટિના વચ્ચે ફાઇનલ મૅચ રમાશે.

વાપસી કરવાનું શીખ્યા છીએ : કોચ

ભારતીય મહિલા હૉકી ટીમના કોચ સૉર્ડ મારજને કહ્યું હતું કે ‘હાર બાદ કઈ રીતે વાપસી કરવી એ ટીમ શીખી ગઈ છે. આર્જેન્ટિનાની મૅચ હવે ઇતિહાસ છે. અમે અહીં એક મેડલ જીતવા માટે આવ્યા હતા. હજી એક મેડલ બાકી છે એથી તમામ ધ્યાન એના પર લગાવી રહ્યા છીએ.’ આર્જેન્ટિના સામેની મૅચ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે પેનલ્ટી કૉર્નરને ગોલમાં પરિવર્તિત ન કરી શક્યા, એ શીખવું પડશે.’ 

સુરતના ઉદ્યોગપતિએ કરી હતી મોટાં ઇનામોની ઘોષણા

સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ એવી ઘોષણા કરી હતી કે જો ટીમ ગોલ્ડ જીતશે તો તમામને નાણાકીય સહાય તરીકે ૧૧ લાખ રૂપિયા અથવા કાર આપવામાં આવશે.

વડા પ્રધાને બ્રૉન્ઝ માટે આપી શુભેચ્છા

સેમી ફાઇનલમાં હારી જનાર ટીમને સાંત્વના આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતાં કહ્યું હતું કે ટોક્યો ઑલિમ્પિક્સમાં મહિલા ટીમના શાનદાર પ્રદર્શન માટે યાદ રહેશે. અમને ટીમ પર ગર્વ છે. આગામી મૅચ માટે શુભેચ્છા. વડા પ્રધાને ટીમના કોચને ફોન પણ કર્યો હતો તેમ જ બ્રૉન્ઝ મેડલ માટેની મૅચમાં જોરદાર ટક્કર આપજો એવો સંદેશો પણ આપ્યો હતો.

sports sports news tokyo olympics 2020