ગ્લાસગોમાં સિલ્વર મેડલ જીતનાર વેઇટલિફ્ટર અજયના પપ્પાએ ૧૬ વર્ષ પહેલાં દિલ્હીમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો

29 July, 2026 04:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આંધ્ર પ્રદેશના વલ્લુરી અજય બાબુએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની 79 કિલો વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો. 16 વર્ષ પહેલાં તેના પિતા વલ્લુરી શ્રીનિવાસ રાવે દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં બ્રૉન્ઝ જીત્યો હતો.

વલ્લુરી અજય બાબુ

સ્કૉટલૅન્ડના ગ્લાસગોમાં આયોજિત કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને દસમો મેડલ વલ્લુરી અજય બાબુએ આપાવ્યો હતો. આંધ્ર પ્રદેશના ૨૨ વર્ષના વલ્લુરી અજય બાબુએ પુરુષોની ૭૯ કિલો વેઇટલિફ્ટિંગ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 
વલ્લુરી અજય બાબુએ સ્નૅચમાં ૧૪૯ કિલો અને ક્લીન ઍન્ડ જર્કમાં ૧૮૧ કિલો સહિત ટોટલ ૩૩૦ કિલો વજન ઉપાડ્યું હતું. મલેશિયાના હરીફે ૩૩૧ કિલો વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી.
ફક્ત ૧ કિલોના તફાવતને કારણે ગોલ્ડ મેડલ ચૂકી ગયેલા વલ્લુરી અજય બાબુના પપ્પા ૧૬ વર્ષ પહેલાં દિલ્હી કૉમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યા હતા. વલ્લુરી શ્રીનિવાસ રાવે એ સમયે પુરુષોની ૫૬ કિલો વેઇટલિફ્ટિંગ કૅટેગરીમાં બ્રૉન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું. 
આંધ્ર પ્રદેશના કોન્ડાવેલાગાડા ગામમાં ટીવી પર વલ્લુરી શ્રીનિવાસ રાવે દીકરાને સિલ્વર મેડલ જીતતાં જોયો હતો. કોન્ડાવેલાગાડા ગામ વેઇટલિફ્ટિંગની ભવ્ય પરંપરા ધરાવે છે. આ ગામમાંથી ૨૦ નૅશનલ અને ૧૩ ઇન્ટરનૅશનલ વેઇટલિફ્ટર્સ આવ્યા છે. 

sports news sports commonwealth games india andhra pradesh