ઇટાલિયન લીગ ફુટબૉલમાં વેનેઝિયાની ટીમ ૨૦ વર્ષ પછી ઘરઆંગણે મૅચ જીતી

20 October, 2021 05:41 PM IST  |  Mumbai | Agency

આ ગ્રુપમાં બેસિક્તાસની ટીમ ત્રીજા નંબરે અને સ્પોર્ટિંગ ટીમ ચોથા નંબરે હતી. આ ગ્રુપમાં ઍજેક્સ ટીમ મોખરે છે. વિવિધ ગ્રુપમાં યુવેન્ટ્સ, લિવરપુલ સહિતની ટીમો ૬-૬ પૉઇન્ટ સાથે અવ્વલ છે.  એ.એફ.પી.

ઇટાલિયન લીગ ફુટબૉલમાં વેનેઝિયાની ટીમ ૨૦ વર્ષ પછી ઘરઆંગણે મૅચ જીતી

ઇટલીમાં ટોચની ફુટબૉલ ક્લબો વચ્ચે ચાલતી સેરી-એ નામની ચૅમ્પિયનશિપમાં વેનેઝિયા નામની પ્રમોટ કરાયેલી ટીમ બે દાયકા પછી પહેલી વાર ઘરઆંગણે (વેનિસમાં) આ સ્પર્ધાની મૅચ જીતી છે. એણે ફિયોરેન્ટિના ક્લબની ટીમને ૧-૦થી હરાવી હતી. મૅચનો આ એકમાત્ર ગોલ મૅટી અરામુએ ફર્સ્ટ હાફના છેવટના ભાગમાં કર્યો હતો. અગાઉ હરીફ ક્લબના ચારમાંથી ત્રણ સ્થળે મૅચ જીતનાર ફિયોરેન્ટિનાના રિકાર્ડો સ્કોટિલને બીજી વાર યલો કાર્ડ બતાવવામાં આવતાં તે મૅચની બહાર થઈ જતાં આ ટીમના ૧૧માંથી ૧૦ ખેલાડીઓ થઈ ગયા હતા. આર્જેન્ટિનાના ભૂતપૂર્વ ગોલકીપર સર્જિયો રોમેરો વેનેઝિયાની ટીમમાં જોડાયો છે અને તે સાત વર્ષે ઇટાલિયન લીગમાં રમ્યો હતો.
ઇંગ્લિશ લીગમાં આર્સેનલની મૅચ ડ્રૉ
લંડનથી મળેલા અહેવાલ મુજબ ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં આર્સેનલ ક્લબની ટીમની ક્રિસ્ટલ પૅલેસ સામેની મૅચ ૨-૨થી ડ્રૉ કરવી પડી હતી. આર્સેનલને પોતાનો જ ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી પૅટ્રિક વિયેરા ‘નડ્યો’ હતો. તે કોચ તરીકે ક્રિસ્ટલ પૅલેસ ટીમ સાથે જોડાયો છે અને તેના કોચિંગને લીધે આર્સેનલને વિજય નહોતો મળી શક્યો. આર્સેનલની ટીમ આ મૅચ હારવાની જ હતી, પણ એના સબસ્ટિટ્યુટ ખેલાડી ઍલેક્ઝાંડ્રે લૅકાઝેટે મૅચની અંતિમ ક્ષણોમાં ગોલ કરીને આર્સેનલને ૨-૨ની બરાબરી અપાવી હતી.

ઇસ્તંબુલમાં સોમવારે યુઈએફએ ચૅમ્પિયન્સ લીગના નવા રાઉન્ડમાં ગ્રુપ-સીની બેસિકતાસ ટીમ સામેની મૅચ પહેલાંના ટ્રેઇનિંગ સેશન દરમ્યાન સૌકોઈની નજર સ્પોર્ટિંગ ક્લબના સ્પૅનિશ ગોલકીપર ઍન્ટોનિયો ઍડન પર હતી. એ સમયે આ ગ્રુપમાં બેસિક્તાસની ટીમ ત્રીજા નંબરે અને સ્પોર્ટિંગ ટીમ ચોથા નંબરે હતી. આ ગ્રુપમાં ઍજેક્સ ટીમ મોખરે છે. વિવિધ ગ્રુપમાં યુવેન્ટ્સ, લિવરપુલ સહિતની ટીમો ૬-૬ પૉઇન્ટ સાથે અવ્વલ છે.  એ.એફ.પી.

sports news sports football