પ્રતિબંધ લાગ્યો હોવા છતાં નૅશનલ ટુર્નામેન્ટ માટે બ્રિજ ભૂષણ સિંહના ગોંડા ગામ પહોંચી વિનેશ ફોગાટ

12 May, 2026 02:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશનું ગોંડા ગામ એ WFIના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહનું ગામ છે જેમના પર વિનેશ ફોગાટે શોષણના ગંભીર આરોપ લગાવ્યા છે.

વિનેશ ફોગાટ

રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (WFI) દ્વારા ૨૬ જૂન સુધી રેસલિંગ પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં નૅશનલ ઓપન રૅન્કિંગ ટુર્નામેન્ટમાં ભાગ લેવા વિનેશ ફોગાટ ગોંડા પહોંચી ગઈ છે. જોકે તેને ૧૧થી ૧૨ મે દરમ્યાનની આ ટુર્નામેન્ટ કે તાલીમમાં ભાગ લેવાની મંજૂરી મળી નહોતી. ઉત્તર પ્રદેશનું ગોંડા ગામ એ WFIના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહનું ગામ છે જેમના પર વિનેશ ફોગાટે શોષણના ગંભીર આરોપ લગાવ્યા છે. અનુશાસનહીનતા અને ડોપિંગ વિરોધી નિયમોના કથિત ઉલ્લંઘનના આરોપ હેઠળ પ્રતિબંધનો સામનો કરી રહેલી વિનેશ ફોગાટ કહે છે કે ‘મારી પાસે ઇન્ટરનૅશનલ ટેસ્ટિંગ એજન્સી (ITA) તરફથી લેખિત મંજૂરી છે કે હું જાન્યુઆરી ૨૦૨૬થી દરેક સ્પર્ધામાં ભાગ લઈ શકું છું. હું આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે યોગ્ય છું.’ તેણે વધુમાં કહ્યું હતું કે ‘હું કોઈ ખાસ વિશેષાધિકાર માગતી નથી. હું ફક્ત મારી પોતાની યોગ્યતાના આધારે સ્પર્ધા કરવા માગું છું. જોકે WFI મારી પ્રક્રિયા આગળ વધારી નથી રહ્યું. કાનૂની ટીમ સાથે સલાહ લીધા પછી હું કારણ દર્શક નોટિસનો જવાબ આપીશ.’

wrestling sports sports news vinesh phogat gujarati mid day