19 November, 2025 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનુ ભાકર
પૅરિસ ઑલિમ્પિક્સમાં બે ઑલિમ્પિક્સ મેડલ જીત્યા બાદ શૂટર મનુ ભાકરનું પ્રદર્શન ખાસ પ્રભાવશાળી રહ્યું નથી. ગયા વર્ષની ઑલિમ્પિક્સ બાદ તેણે ઑગસ્ટ ૨૦૨૫માં એશિયન શૂટિંગ ચૅમ્પિયનશિપમાં ત્રણ બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. ગઈ કાલે સમાપ્ત થયેલી ઇજિપ્તમાં આયોજિત વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારત ૩ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૪ બ્રૉન્ઝ સહિત ૧૩ મેડલ સાથે ત્રીજા ક્રમે રહ્યું.
ભારતીય મેડલ વિજેતાઓની યાદીમાં મનુ ભાકરની ગેરહાજરી જોવા મળી. આ વિશે વાત કરતાં ૨૩ વર્ષની મનુએ કહ્યું હતું કે ‘હું વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મેડલ મેળવવાનું લક્ષ્ય રાખતી હતી. મેં સારું પ્રદર્શન કર્યું, સારા પૉઇન્ટ મેળવ્યા, પરંતુ પોડિયમ સુધી પહોંચી શકી નહીં. રમતગમતમાં તમે દરરોજ જીતી શકતા નથી, ક્યારેક તમે હારી જાઓ છો. મારા માટે એ મહત્ત્વનું છે કે ભારત મેડલ જીતે. જ્યાં સુધી ભારત મેડલ જીતે છે હું એના માટે ઉત્સાહિત છું, પછી ભલે એ કોઈ પણ રમત હોય.’