એક મહિના પહેલાં એકમાત્ર જીત મેળવનાર બૅન્ગલોર પર સતત સાતમી હારનો ખતરો

25 April, 2024 07:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૭૯ રન બનાવીને ઑરેન્જ કૅપ મેળવનાર વિરાટ કોહલી પોતાની સર્વશ્રેષ્ઠ રમત રમી રહ્યો છે, પણ અન્ય સાથી-ખેલાડીઓનો સાથ ન મળતાં ટીમ હાલમાં ફક્ત બે પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલ પર તળિયાની ટીમ બની છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ

આજની મૅચ: સનરાઇઝર્સ હૈદરાબાદ v/s રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ, સાંજે ૭.૩૦ વાગ્યે,  હૈદરાબાદ
આવતી કાલની મૅચ: કોલકાતા નાઇટ રાઇડર્સ v/s પંજાબ કિંગ્સ, કલકત્તા, સાંજે ૭.૩૦ વાગ્યે, કલકત્તા

ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL)ની ૧૭મી સીઝનની ૪૧મી મૅચ આજે પ્લેઑફની રેસમાંથી બહાર થયેલી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને ત્રણ વખત ૨૫૦ પ્લસ સ્કોર કરનાર સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. પૉઇન્ટ્સ-ટેબલ પર ૧૦ પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમે રહેલી હૈદરાબાદની ટીમની નજર ૮ દિવસ બાદ ફરી બૅન્ગલોરના બોલર્સ સામે રેકૉર્ડતોડ બૅટિંગ કરવા પર હશે. પચીસમી માર્ચે પંજાબ કિંગ્સ સામે સીઝનની એકમાત્ર જીત મેળવનાર બૅન્ગલોર પર આજે એક મહિના બાદ સતત સાતમી હારનો ખતરો છે. દિલ્હી કૅપિટલ્સ સામે એક પણ વિકેટ ગુમાવ્યા વગર T20 ઇતિહાસમાં પાવરપ્લેનો ૧૨૫  રનનો રેકૉર્ડ કરનાર હૈદરાબાદની ટીમ આજે ૩૦૦ રનનો કીર્તિમાન રચે તો નવાઈ નહીં. IPL ઇતિહાસના બીજા સૌથી મોંઘા ખેલાડી પૅટ કમિન્સની આગેવાની હેઠળ હૈદરાબાદની ટીમ બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ એમ ત્રણેય મોરચે ધમાલ મચાવી રહી છે.  ૩૭૯ રન બનાવીને ઑરેન્જ કૅપ મેળવનાર વિરાટ કોહલી પોતાની સર્વશ્રેષ્ઠ રમત રમી રહ્યો છે, પણ અન્ય સાથી-ખેલાડીઓનો સાથ ન મળતાં ટીમ હાલમાં ફક્ત બે પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલ પર તળિયાની ટીમ બની છે. પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગયેલી બૅન્ગલોરનો બોલિંગ-વિભાગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એનો સર્વશ્રેષ્ઠ બોલર યશ દયાલ ૭ વિકેટ સાથે યાદીમાં ૨૪મા સ્થાને છે. બૅન્ગલોરનું મૅનેજમેન્ટ તેમના સંયુક્ત બૅટિંગ-પ્રયાસથી ખૂબ સંતુષ્ટ હશે, પણ સંતુલનની દૃષ્ટિએ આટલી નબળી ટીમ માટે ઑલરાઉન્ડ પ્રદર્શન કરવું હવે અશક્ય લાગે છે. 

હેડ-ટુ-હેડ
કુલ મૅચ                 ૨૪
હૈદરાબાદની જીત    ૧૩
બૅન્ગલોરની જીત    ૧૦
નો રિઝલ્ટ             ૦૧

sports news sports cricket news IPL 2024 sunrisers hyderabad royal challengers bangalore pat cummins virat kohli