કૅટ-વિકીનાં લગ્નમાં સલામતી વ્યવસ્થા ગોઠવવા માટે કલેક્ટરને લખવામાં આવ્યો પત્ર

04 December, 2021 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમે આયોજકોને માહિતી આપી છે કે કુલ ૧૨૦ મહેમાનોને આ લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું છે અને તમામ ઇવેન્ટ્સ ૭થી ૧૦ ડિસેમ્બર સુધી આયોજિત કરવામાં આવશે.’

વિકી કૌશલ, કેટરિના કૈફ

કૅટરિના કૈફ અને વિકી કૌશલનાં લગ્નમાં સુરક્ષા અને કાયદા વ્યવસ્થાને જાળવી રાખવા માટે કલેક્ટરને એક પત્ર લખવામાં આવ્યો છે. એને જોતાં સંબંધિત અધિકારીઓની ખાસ બેઠક પણ મળી હતી. આ શાહી વિવાહ ૯ ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સિસ ફોર્ટ બરવારામાં થવાના છે. ૪થી માંડીને ૧૧ ડિસેમ્બર સુધી હોટેલ બુક કરવામાં આવી છે. સલામતીને જોતાં આમં​ત્રિત મહેમાનોને સિક્યૉરિટી કોડ આપવામાં આવશે અને ત્યાર આપ્યા બાદ જ લગ્નમાં પ્રવેશ મળશે. કોઈ મહેમાનોને મોબાઇલ ફોન લઈ જવાની પણ પરવાનગી નહીં મળે. લગ્નસ્થળની સલામતી માટે ૧૦૦ બાઉન્સર્સને તહેનાત કરવામાં આવશે. એવું જાણવા મળ્યું છે કે આ લગ્નમાં પીએમઓના પાંચ અધિકારીઓ પણ સામેલ થવાના છે. કૅટરિના કૈફ અને વિકી કૌશલનાં લગ્નને લઈને સવાઈ માધોપુરના અતિરિક્ત જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૂરજ સિંહ નેગીએ એ પત્ર બહાર પાડ્યો છે. એ પત્ર મુજબ અભિનેતા વિકી કૌશલ અને અભિનેત્રી કૅટરિના કૈફના વિવાહ સમારોહના આયોજન પૂર્વે ભીડ નિયંત્રણ, કાયદો વ્યવસ્થા તથા સંભવિત સ્થિતિઓને જોતાં જરૂરી સગવડો સુનિશ્ચિત કરવાના આશયે જિલ્લા કલેક્ટર મહોદયશ્રીની અધ્યક્ષતામાં ત્રીજી ડિસેમ્બરની સવારે ૧૦.૧૫ વાગ્યે કલેક્ટ્રેટ સભાગૃહમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં દિગ્ગજ અધિકારીઓએ ભાગ લીધો હતો. આ બેઠક બાદ લગ્ન દરમ્યાન કયા-કયા નિયમોનું પાલન કરવામાં આવશે એ વિશે ડિસ્ટ્ર‌િક્ટ કલેક્ટર રાજેન્દ્ર કિશને કહ્યું હતું કે ‘આ ૧૨૦ મહેમાનોએ કોવિડના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. સાથે જ ફુલ્લી વૅક્સિનેટેડ લોકોને જ આ ભવ્ય લગ્નમાં પ્રવેશ મળશે. અમે આયોજકોને માહિતી આપી છે કે કુલ ૧૨૦ મહેમાનોને આ લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું છે અને તમામ ઇવેન્ટ્સ ૭થી ૧૦ ડિસેમ્બર સુધી આયોજિત કરવામાં આવશે.’

bollywood news bollywood bollywood gossips vicky kaushal katrina kaif entertainment news