21 February, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એ. આર. રહમાન અને એક્સ-વાઈફ સાયરા બાનુ (ફાઇલ તસવીર)
પ્રસિદ્ધ સંગીતકાર એ. આર. રહમાનની પૂર્વ પત્ની સાયરા બાનુને તાજેતરમાં સ્વાસ્થ્યની સમસ્યા જણાતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ, તેમની તબિયત બગાડતાં સર્જરી કરાવવી પડી હતી. તેમના વકીલ વંદના શાહ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં, સાયરાએ રહમાન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે અને તેમના સમર્થન માટે તેમની પ્રશંસા કરી છે. સાયરાએ તેમની તબિયત અંગે અપડેટ આપતાં જણાવ્યું કે તે હવે ઝડપી રિકવરી કરી રહી છે.
સાયરા બાનુના આરોગ્ય અંગે અપડેટ
સાયરા બાનુના વકીલ વંદના શાહે એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. જેમાં જણાવાયું કે, "અમારા ક્લાયન્ટ મિસિસ સાયરા રહમાનની તરફથી, વંદના શાહ એન્ડ એસોસિએટ્સ દ્વારા તેમની તબિયત અંગે સત્તાવાર નિવેદન આપવામાં આવે છે. થોડા દિવસ પહેલા મિસિસ સાયરા રહમાનની ખરાબ તબિયતને કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને સર્જરી કરાવવી પડી હતી. આ મુશ્કેલ સમયમાં, તેમનું સંપૂર્ણ ધ્યાન માત્ર જલદી સાજા થવા પર છે."
નિવેદનમાં વધુમાં કહવામાં આવ્યું કે, "તેઓ પોતાના શુભચિંતકો અને સાથીઓના સપોર્ટ અને પ્રેમ માટે હૃદયથી આભાર માને છે. તે બધા શુભેચ્છકો અને સમર્થકોને તેમના આરોગ્ય માટે પ્રાર્થના કરવા અપીલ કરે છે. મિસિસ સાયરા રહમાન ખાસ કરીને લૉસ એન્જલિસના તેમના મિત્રો, રેસુલ પૂકુટ્ટી અને તેમની પત્ની શાદિયા, તેમજ વંદના શાહ અને એ. આર. રહમાનના સમર્થન માટે તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. તેમણે તેમના દયાભાવ અને પ્રોત્સાહન માટે ખૂબ આભાર માન્યો છે." સાયરા બાનુએ વધુમાં જણાવ્યું કે તેઓ હાલ પોતાના આરોગ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવા માગે છે અને તેમના સમર્થકો તથા શુભચિંતકોની સમજ માટે આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ તેમણે એકાંત આપવાની વિનંતી કરી છે.
સાયરા બાનુ અને એ. આર. રહમાને ડિવોર્સ લીધા હતા
એ. આર. રહમાન અને સાયરા બાનુએ 29 વર્ષના દાંપત્ય જીવન બાદ અલગ થવાનો નિર્ણય લીધો હતો. સાયરાએ ભાવનાત્મક તણાવને ડિવોર્સ પાછળનું મુખ્ય કારણ બતાવ્યું હતું. તેમના અલગ થવાના કારણો અંગે વકીલ વંદના શાહે નિવેદન આપ્યું હતું, જેમાં જણાવાયું હતું કે, "વર્ષો સુધી એકસાથે જીવ્યા બાદ, મિસિસ સાયરાએ તેમના પતિ એ. આર. રહમાનથી અલગ થવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. આ નિર્ણય તેમના સંબંધમાં આવેલા ગંભીર ભાવનાત્મક તણાવને કારણે લેવામાં આવ્યો છે. તેમનો આ સંબંધ તો પ્રેમભર્યો હતો, પરંતુ તણાવ અને મુશ્કેલીઓએ બંને વચ્ચે એક એવી ખાઈ ઊભી કરી છે, જેને હવે પાળવી અશક્ય લાગી રહી છે." વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યું કે, "મિસિસ સાયરાએ આ નિર્ણય ખૂબ દુઃખ અને વેદનાથી ભરેલી પરિસ્થિતિમાં લીધો છે. તેઓ જાહેર જનતાને વિનંતી કરે છે કે તેઓ આ મુશ્કેલ સમયમાં તેમણે પ્રાઈવસી આપે."
રહમાન અને સાયરાએ 1995માં અરેન્જ્ડ મેરેજ કર્યા હતા. તેમણે ત્રણ સંતાનો છે - બે પુત્રી ખાતીજા અને રહીમા અને એક પુત્ર આમીન. એ. આર. આમીન, જે પોતે પણ એક ગાયક છે, તેમણે પણ સોશિયલ મીડિયા પર પોતાના પરિવારમાં ચાલી રહેલા આ પરિસ્થિતિ અંગે લોકોને તેમની પ્રાઇવેટ લાઈફને સન્માન આપવા અપીલ કરી હતી.