આમિરે મારી સાથે કામ ન કરવાના શપથ લીધા હતા

21 January, 2025 08:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાતચીત દરમ્યાન સલમાને આમિરને એક ઘટના યાદ કરાવી હતી જેમાં આમિરે ભવિષ્યમાં ક્યારેય સલમાન સાથે કામ ન કરવાના સોગંદ લીધા હતા

‘બિગ બૉસ 18’ના સેટ પર આમિર ખાન અને સલમાન ખાને ‘અંદાઝ અપના અપના’નો સીન રીક્રીએટ કર્યો હતો., ઍક્ટર કરણવીર મેહરા ‘બિગ બૉસ 18’માં વિજેતા બન્યો હતો.

‘બિગ બૉસ’ની ૧૮મી સીઝનની ગ્રૅન્ડ ફિનાલે દરમ્યાન આમિર ખાન તેના દીકરા જુનૈદ ખાન અને ખુશી કપૂર સાથે ફિલ્મ ‘લવયાપા’ના પ્રમોશન માટે આવ્યો હતો. એ સમયે સેટ પર આમિર ખાન અને સલમાન ખાન વચ્ચે મુલાકાત થઈ હતી અને તેમણે જૂનાં સંસ્મરણોને વાગોળ્યાં હતાં. એ વાતચીત દરમ્યાન સલમાને આમિરને એક ઘટના યાદ કરાવી હતી જેમાં આમિરે ભવિષ્યમાં ક્યારેય સલમાન સાથે કામ ન કરવાના સોગંદ લીધા હતા.

વાતચીત  દરમ્યાન આમિરે જણાવ્યું કે હમણાં લગભગ ૩૦ વર્ષ પછી મને સલમાનનો એક વિડિયો જોવા મળ્યો હતો જેમાં તે ‘અંદાઝ અપના અપના’માં મારી ઍક્ટિંગનાં વખાણ કરી રહ્યો હતો. એ ક્લિપ જોઈને હું ઇમોશનલ થઈ ગયો હતો. જોકે સામે સલમાને પણ એ જ સમયગાળાનો પોતાનો અનુભવ જણાવતાં કહ્યું કે ‘મેં એક ઇન્ટરવ્યુ જોયો હતો જેમાં આમિરની ફરિયાદ હતી કે હું સેટ પર મોડો આવતો હતો. એ ઇન્ટરવ્યુમાં આમિરે કહ્યું હતું કે તેનો મારી સાથે કોઈ તાલમેલ નહોતો અને માંડ-માંડ તેનો છુટકારો થયો, હવે તે ભવિષ્યમાં મારી સાથે કામ નહીં કરે.’

આ ઘટનાને સ્વીકારતાં આમિરે કહ્યું કે ‘એ વાત સાચી છે. એ સમયે તો મને એમ જ લાગતું હતું. જોકે હવે મારી એ લાગણી બદલાઈ ગઈ છે. હવે હું સમયની સાથે-સાથે સલમાનને સમજવા માંડ્યો છું. બસ, મને તેને સમજવામાં થોડી વાર લાગી હતી.’

Salman Khan aamir khan junaid khan bollywood buzz bollywood news bollywood entertainment news