20 January, 2026 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ મૅરથૉનમાં આમિર ખાન
આમિર ખાને રવિવારે મુંબઈ મૅરથૉનમાં ભાગ લીધો હતો. તેની સાથે તેની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ અને બાળકો જુનૈદ ખાન, આઇરા ખાન તથા આઝાદ રાવ ખાન પણ હાજર હતાં. એ દરમ્યાન આમિરે મુંબઈમાં વધતા પ્રદૂષણના સ્તર વિશે વાત કરી હતી. કિરણ રાવે પણ જણાવ્યું હતું કે આ મુદ્દે સૌએ મળીને અવાજ ઉઠાવવો જરૂરી છે.
મૅરથૉનમાં આમિરે મીડિયા સાથેની વાતચીત દરમ્યાન મુંબઈની બગડતી હવાની ગુણવત્તા પર ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે આમિરને વાયુપ્રદૂષણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ‘હા, હવે શું કરીએ? મને ખબર છે.’
આમિર ઉપરાંત કિરણ રાવે આ મામલે કહ્યું હતું કે ‘આપણે સૌએ એકસાથે અવાજ ઉઠાવવાની જરૂર છે. આ માટેના પ્રયાસમાં ભાગ લેવો જોઈએ અને એનાં કારણોને પણ સમજવાં જોઈશે. નાગરિક તરીકે સૌએ પોતાનું યોગદાન આપવું જોઈએ જેથી શહેરમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI)માં સુધારો આવી શકે.’
આમિરે પણ આ વાત સાથે સંમતિ વ્યક્ત કરીને લોકોને સકારાત્મક રીતે યોગદાન આપવાની અપીલ કરી હતી.