મેં મહાફ્લૉપ ઠગ્સ ઑફ હિન્દોસ્તાં સાઇન કરતી વખતે કરી હતી મોટી ભૂલ

19 May, 2026 10:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમિર ખાને સ્વીકાર્યું કે આ ફિલ્મ કરતી વખતે તેણે સ્ક્રિપ્ટ કરતાં પોતાના પાત્રને વધારે પ્રાથમિકતા આપી હતી

આમિર ખાનની ફાઇલ તસવીર

આમિર ખાનની ગણતરી બૉલીવુડના સફળ સ્ટાર તરીકે થાય છે પણ આમ છતાં તેણે પોતાની કરીઅરમાં એવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે જેને બૉક્સ-ઑફિસ પર સદંતર નિષ્ફળતા મળી છે. હાલમાં આમિરે પોતાની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘દંગલ’ અને કરીઅરની સૌથી મોટી ફ્લૉપ ફિલ્મોમાંની એક ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ને લઈને ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

આમિરે જણાવ્યું હતું કે ફિલ્મ પસંદ કરતી વખતે તેના માટે હંમેશાં પાત્ર કરતાં સ્ક્રિપ્ટ અને વાર્તા વધુ મહત્ત્વપૂર્ણ રહે છે. આમિરે ‘દંગલ’નું ઉદાહરણ આપતાં કહ્યું કે તેણે આ ફિલ્મ માત્ર મહાવીર ફોગાટના પોતાના પાત્રને કારણે નહીં પણ સંપૂર્ણ સ્ક્રિપ્ટ પસંદ આવતાં સાઇન કરી હતી. જોકે આમિરે સ્વીકાર્યું કે પોતાની આખી કરીઅરમાં તેણે માત્ર એક વખત ૨૦૧૮માં આવેલી ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ સાઇન કરતી વખતે સ્ક્રિપ્ટ કરતાં પોતાના પાત્રને વધારે પ્રાથમિકતા આપી હતી અને એ નિર્ણય બૉક્સ-ઑફિસ પર ભારે પડી ગયો હતો. 

શોલે સાથે સરખામણી

‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ની સરખામણી ‘શોલે’ સાથે કરતાં આમિરે સમજાવ્યું કે ‘‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ની વાર્તા ઘણી હદ સુધી ‘શોલે’ જેવી જ હતી. ‘શોલે’માં જેમ ઠાકુર પોતાના પરિવારના મોતનો બદલો લેવા માટે જય અને વીરુની મદદ લે છે એવી જ રીતે આ ફિલ્મમાં ફાતિમા સના શેખનું પાત્ર ઝફીરા બેગ પોતાના પરિવારને ગુમાવે છે અને પછી ફિરંગી એટલે કે આમિર ખાન તેનો સાથ આપે છે. જોકે ફિલ્મની કાસ્ટિંગમાં થતા ફેરફારોને કારણે સ્ક્રિપ્ટમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા હતા અને આ જ સૌથી મોટી ભૂલ સાબિત થઈ. દર્શકોએ જે ફિલ્મ પડદા પર જોઈ તે ફિલ્મના મૂળ ડ્રાફ્ટ જેવી રહી જ નહોતી.’

aamir khan thugs of hindostan sholay box office entertainment news bollywood bollywood news