જલદી ઠીક હો જા યાર... સાથ મેં હંસના હૈ

11 July, 2026 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજેશ શર્માના સ્વાસ્થ્યના સમાચાર સાંભળીને ઇમોશનલ થઈ ગયો અક્ષય કુમાર

ગઈ કાલે કલકત્તાની હૉસ્પિટલમાં રાજેશ શર્માને મળવા ગયેલા પશ્ચિમ બંગાળના સ્પોર્ટ્‌સ મિનિસ્ટર ડૉ. ઇન્દ્રનીલ ખાન.

ઍક્ટર રાજેશ શર્માને શૂટિંગ દરમ્યાન ઝેરી જંતુ કરડી જતાં ચેપ ઝડપથી ફેલાયો હતો અને આ કારણોસર તેમને કલકત્તાની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજેશ શર્માના સ્વાસ્થ્ય અંગે જાણ થતાં અક્ષય કુમારે ભાવુક પોસ્ટ કરીને તેમના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.
અક્ષય કુમારે સોશ્યલ મીડિયામાં રાજેશ શર્મા સાથેની જૂની તસવીર શૅર કરીને લખ્યું હતું કે ‘મારા પ્રિય મિત્ર રાજેશના સ્વાસ્થ્ય વિશે જાણીને ખૂબ ચિંતા થઈ છે. ખબર પડી કે શૂટિંગ દરમ્યાન તેને કોઈ કીડો કરડી ગયો હતો. મહાદેવ તેને જલદી અને સંપૂર્ણ સ્વસ્થ કરે એવી પ્રાર્થના. જલદી ઠીક હો જા યાર... સાથ મેં હંસના હૈ.’ 
રિપોર્ટ મુજબ રાજેશ શર્માની તબિયત હૈદરાબાદમાં ‘ફૌજી’ના શૂટિંગ દરમ્યાન બગડી હતી. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે કીડો કરડવાથી તેમની સ્થિતિ ગંભીર બની હતી. જોકે ફિલ્મના નિર્માતાઓએ સેટ પર આવી કોઈ ઘટના બની હોવાનો ઇનકાર કર્યો છે અને જણાવ્યું છે કે રાજેશ શર્મા પોતાનું શૂટિંગ પૂર્ણ કરીને એક અઠવાડિયા પહેલાં જ ઘરે પરત ફરી ગયા હતા. આ દરમ્યાન ઑલ ઇન્ડિયન સિને વર્કર્સ અસોસિએશન (AICWA)એ સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની ડિમાન્ડ કરી છે. સંગઠનનું કહેવું છે કે ફિલ્મોના શૂટિંગ દરમ્યાન કલાકારો અને ટેક્નિશ્યનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ મામલે સત્ય બહાર આવવું જરૂરી છે.

akshay kumar anurag kashyap bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news