23 August, 2025 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ ‘જૉલી એલએલબી 3’
અક્ષયકુમાર અને અર્શદ વારસીની ફિલ્મ ‘જૉલી એલએલબી 3’ રિલીઝ પહેલાં કાયદાના સકંજામાં ફસાઈ ગઈ છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મના નિર્માતાઓ વિરુદ્ધ પુણેમાં કોર્ટમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તેમને સમન્સ મોકલવામાં આવ્યા છે.
તાજેતરમાં ‘જૉલી એલએલબી 3’નું લેટેસ્ટ ટીઝર નિર્માતાઓ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું. એમાં અક્ષયકુમાર અને અર્શદ વારસીની સાથે-સાથે ફિલ્મમાં જજ સુંદરલાલ ત્રિપાઠીની ભૂમિકા ભજવતા અભિનેતા સૌરભ શુક્લાની ઝલક જોવા મળી હતી. ટીઝરમાં બતાવેલા એક દૃશ્યમાં અર્શદ અને અક્ષય જજસાહેબને ‘મામુ’ કહેતા જોવા મળે છે. હવે આ મામલે પુણેના વકીલ વાજેદ ખાન અને ગણેશ માસ્ખેએ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ‘ફિલ્મ ‘જૉલી એલએલબી 3’ના નિર્માતાઓએ આ કાનૂની વ્યવસાયને ફિલ્મમાં મજાકના ઢબે રજૂ કર્યો છે અને સાથે જ કોર્ટરૂમની ગરિમાને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. કોઈ વકીલ કોર્ટમાં જજને ‘મામુ’ કેવી રીતે કહી શકે? વકીલાત એ કાનૂની ક્ષેત્રનો એક મોટો વ્યવસાય છે અને એની મર્યાદાની આ રીતે મજાક ઉડાડવી અયોગ્ય છે. ભલે આ એક કાલ્પનિક ફિલ્મ હોય, પરંતુ એમાં ન્યાયતંત્રનું સંપૂર્ણ અપમાન દેખાઈ રહ્યું છે.’
આ અરજીના આધારે ૧૯ સપ્ટેમ્બરે રિલીઝ થનારી ‘જૉલી એલએલબી 3’ના કલાકારો અને નિર્માતાઓને સમન્સ મોકલવામાં આવ્યા છે. સાથે જ આ મામલે સુનાવણીની તારીખ ૨૮ ઑગસ્ટ નક્કી કરવામાં આવી છે, જેમાં ફિલ્મના નિર્માતાઓને હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.