22 February, 2026 01:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
અક્ષય કુમાર હાલમાં પોતાનો ગેમ-શો ‘વ્હીલ ઑફ ફૉર્ચ્યુન’ હોસ્ટ કરી રહ્યો છે. આ શો દરમિયાન થયેલી વાતચીતમાં નોર્થ-ઈસ્ટની એક સ્પર્ધકે મુંબઈમાં પોતાની સાથે થયેલા ભેદભાવનો અનુભવ શૅર કર્યો હતો. આ મુદ્દે અક્ષય કુમારે ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપતાં પૂર્વોત્તર ભારતના લોકો સામે થતા ભેદભાવની નિંદા કરી હતી.
આ શોમાં સ્પર્ધકે જણાવ્યું કે તેના ચહેરાની રચનાને કારણે લોકો ઘણી વાર તેની મજાક ઉડાવતા અને ‘ચાઇના પાછા જાઓ’ જેવી ટિપ્પણીઓ કરતા. એટલું જ નહીં, કેટલાક લોકોએ તેના પર કોરોના ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ વાત સાંભળીને અક્ષય કુમાર ઇમોશનલ બની ગયો હતો.
આ શોમાં અક્ષય કુમારનો મેકઅપ આર્ટિસ્ટ ‘કિન’ પણ સ્ટેજ પર આવ્યો હતો અને પોતાનો અનુભવ જણાવ્યો હતો. તેણે પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે ‘મણિપુરથી હોવાને કારણે મારે વારંવાર અપમાનજનક ટિપ્પણીઓનો સામનો કરવો પડે છે. લોકો મને ‘ચાઇનીઝ’, ‘ચિંકી’ અથવા ‘મોમો’ જેવા શબ્દોથી સંબોધે છે.’
કિનની આ વાતો સાંભળીને અક્ષય કુમારે નિરાશા વ્યક્ત કરી અને કહ્યું, ‘આજે કિનને સાંભળ્યા પછી મને સમજાયું કે આવી ઘટનાઓ ખરેખર થાય છે. હું દેશની દરેક વ્યક્તિને કહેવા માગું છું કે નોર્થઈસ્ટના લોકો સાથે ભેદભાવ થાય છે. તેઓ પણ એટલા જ ભારતીય છે જેટલો હું છું, તમે છો અને અહીં બેઠેલા બધા લોકો છે.’