અન્ય ફિલ્મોના નિર્માતાઓએ પણ ક્લૅશ ટાળવા માટે આવી જ રીતે પોતાની ફિલ્મો પોસ્ટપોન કરી છે. જોકે નિર્માતાઓ તરફથી હજી સત્તાવાર જાહેરાત નથી થઈ.
અક્ષય કુમાર
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ જબરદસ્ત કમાણી કરી રહી છે અને હજી પણ મોટી સંખ્યામાં દર્શકો ફિલ્મ જોવા જઈ રહ્યા છે ત્યારે હવે ચર્ચા છે કે અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂત બંગલા’ના નિર્માતાઓએ પોતાની ફિલ્મને પોસ્ટપોન કરવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં આ ફિલ્મ ૧૦ એપ્રિલે રિલીઝ થવાની હતી, પણ હવે રિપોર્ટ મળ્યા મુજબ એની તારીખ આગળ ધપાવવામાં આવી છે અને એ હવે ૧૭ એપ્રિલે રિલીઝ થશે. રિપોર્ટ મુજબ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સૂત્રએ જણાવ્યું હતું કે ‘ભૂત બંગલા’ના નિર્માતાઓએ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની જબરદસ્ત સફળતા અને એની સામે આવનારી સ્પર્ધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. આ નિર્ણય બિઝનેસની દૃષ્ટિએ યોગ્ય માનવામાં આવી રહ્યો છે જેનાથી નિર્માતાઓની સાથોસાથ સમગ્ર ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થઈ શકે છે. અન્ય ફિલ્મોના નિર્માતાઓએ પણ ક્લૅશ ટાળવા માટે આવી જ રીતે પોતાની ફિલ્મો પોસ્ટપોન કરી છે. જોકે નિર્માતાઓ તરફથી હજી સત્તાવાર જાહેરાત નથી થઈ.
દિલદાર એકતા કપૂર: ગેમ-શોમાં જીતની રકમ દેવાના બોજ નીચે દબાયેલા રાજપાલ યાદવને આપી દીધી
પ્રોડ્યુસર એકતા કપૂર હાલમાં તેની આગામી ફિલ્મ ‘ભૂત બંગલા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમ્યાન તે અક્ષય કુમારના ગેમ-શો ‘વ્હીલ ઑફ ફૉર્ચ્યુન’ પર પહોંચી હતી. આ સમયે તેની સાથે ફિલ્મના સહકલાકારો રાજપાલ યાદવ અને વામિકા ગબ્બી પણ હાજર હતાં. શોમાં તમામે મળીને ઘણી મસ્તી કરી, પરંતુ એકતાના એક ખાસ નિર્ણયે બધાનું ધ્યાન ખેંચી લીધું. શો દરમ્યાન ગેમ રમતાં-રમતાં એકતા અને ટીમે કેટલીક રકમ જીતી હતી. આ દરમ્યાન એક સેગમેન્ટમાં સ્પર્ધકોને પોતાની જીતેલી રકમનો ઉપયોગ કેવી રીતે કરવો એ પસંદગી આપવામાં આવી હતી ત્યારે એકતા કપૂરે પોતાની જીતેલી સંપૂર્ણ રકમ દેવાના બોજ નીચે દબાયેલા રાજપાલ યાદવને આપવાનો નિર્ણય લીધો હતો. એકતાનું આ પગલું ફૅન્સને બહુ પસંદ પડ્યું છે. જોકે એકતાએ કેટલી રકમ આપી એ વિશે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેના આ ઉદાર સ્વભાવનાં સોશ્યલ મીડિયા પર વખાણ થઈ રહ્યાં છે.