27 November, 2026 01:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
બૉલીવુડમાં કલાકારોના કામના કલાકો અને વર્ક-લાઇફ બૅલૅન્સને લઈને અવારનવાર ચર્ચા થતી રહે છે. હવે અક્ષય કુમારે આ મુદ્દે ખુલ્લેઆમ પોતાનો મત રજૂ કર્યો છે. કરણ જોહરના ચૅટ શો ‘કૉફી વિથ કરણ’ની નવમી સીઝનમાં રવિ કિશન સાથે પહોંચેલા અક્ષયે જણાવ્યું હતું કે ૮ કલાકની શિફ્ટમાં કામ કરવાની તેની આદતને કારણે ઘણા મોટા ફિલ્મમેકર્સ તેની સાથે ફિલ્મ કરવામાં ખચકાય છે.
૮ કલાકની શિફ્ટમાં જ કામ કરવાના પોતાના નિયમ વિશે વાત કરતાં અક્ષય કુમારે કહ્યું હતું કે ‘ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં મારા ૮ કલાક કામ કરવાના નિયમ વિશે અનેક પ્રકારની વાતો થાય છે. કેટલાક મોટા ફિલ્મમેકર્સ મને પોતાની ફિલ્મોમાં લેવાનું ટાળે છે, કારણ કે તેમને લાગે છે કે અક્ષય માત્ર ૮ કલાક જ કામ કરે છે. જોકે આ ૮ કલાક દરમ્યાન હું વૅનિટી-વૅનમાં જઈને સમય પસાર કરતો નથી, પણ સતત કૅમેરા સામે કામ કરું છું. મારું માનવું છે કે દર્શકો કલાકારને પડદા પર તાજગીભર્યો અને સુંદર દેખાતો જોવા માગે છે, થાકેલો નહીં. આ જ કારણસર મેં પોતાના જીવનમાં કામ, ઊંઘ, ફિટનેસ અને પરિવાર માટે અલગ-અલગ સમય નક્કી કર્યો છે. હું ૮ કલાક કામ કરું છું, આઠ કલાક ઊંઘ કરું છું, બે કલાક પોતાની ફિટનેસ માટે ફાળવું છું અને બાકીનો સમય પરિવાર સાથે પસાર કરવાનું પસંદ કરું છું.’