22 April, 2025 09:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વન લોઢા પ્લેસ
અક્ષયકુમારે લોઅર પરેલના વન લોઢા પ્લેસ ખાતે આવેલી પોતાની ઑફિસ-સ્પેસ આઠ કરોડ રૂપિયામાં વેચી નાખી છે. ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન (IGR)ની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે ૨૦૨૫ના એપ્રિલ મહિનામાં આ પ્રૉપર્ટીની ડીલનું રજિસ્ટ્રેશન થયું છે. આ ઑફિસનો એરિયા ૧૦૬.૫૬ વર્ગ મીટર જેટલો છે અને એમાં બે કાર પાર્કિંગ-સ્પેસનો પણ સમાવેશ થાય છે. આ ટ્રાન્ઝૅક્શન દરમ્યાન ૪૮ લાખ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યુટી તેમ જ ૩૦,૦૦૦ રૂપિયા જેટલો રજિસ્ટ્રેશન-ચાર્જ ચૂકવવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે અક્ષયે ૨૦૨૦ના ડિસેમ્બર મહિનામાં ૪.૮૫ કરોડ રૂપિયામાં આ પ્રૉપર્ટી ખરીદી હતી અને હવે આઠ કરોડ રૂપિયામાં વેચી છે. આમ અક્ષયને આ ડીલમાં ૬૫ ટકા જેટલો ફાયદો થયો છે. અક્ષય સિવાય અભિષેક બચ્ચન, શાહિદ કપૂર અને મનોજ બાજપાઈ જેવા સ્ટાર્સ પણ લોઅર પરેલ વિસ્તારમાં પ્રૉપર્ટી ધરાવે છે.