05 June, 2026 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
અક્ષય કુમારે બોરીવલી-ઈસ્ટ વિસ્તારમાં આવેલા પોતાના બે ફ્લૅટ કુલ ૭.૧૦ કરોડ રૂપિયામાં વેચી દીધા છે. આ બન્ને ફ્લૅટ સ્કાયસિટી પ્રોજેક્ટના ટાવર Bના પાંત્રીસમા માળે આવેલા છે. પ્રૉપર્ટી-રજિસ્ટ્રેશનના દસ્તાવેજો અનુસાર આ બન્ને સોદા બીજી જૂને રજિસ્ટર્ડ થયા હતા.
૧૧૦૧ સ્ક્વેર ફુટ કાર્પેટ એરિયા ધરાવતા ફ્લૅટ-નંબર ૩૫૦૪ને ૫.૭૫ કરોડ રૂપિયામાં અને ૨૫૨ સ્ક્વેર ફુટ કાર્પેટ એરિયા ધરાવતા ફ્લૅટ-નંબર ૩૫૦૩ને ૧.૩૫ કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યો છે.
અક્ષય કુમારે ૨૦૧૭ના નવેમ્બરમાં આ બન્ને ફ્લૅટ ખરીદ્યા હતા. એમાં ફ્લૅટ-નંબર ૩૫૦૪ માટે ૩ કરોડ રૂપિયા અને ફ્લૅટ-નંબર ૩૫૦૩ માટે આશરે ૬૭.૫૫ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આમ બન્ને ફ્લૅટની કુલ ખરીદકિંમત આશરે ૩.૬૮ કરોડ રૂપિયા હતી. હવે વેચાણથી તેને કુલ ૭.૧૦ કરોડ રૂપિયા મળ્યા છે એટલે કે આશરે ૩.૪૨ કરોડ રૂપિયાથી વધુનો ફાયદો થયો છે. આ રીતે લગભગ સાડાઆઠ વર્ષમાં તેનું રોકાણ લગભગ બમણું થયું છે.