18 November, 2026 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનન્યા પાંડે
વેબ-સિરીઝ ‘કૉલ મી બે’માં બેલા ‘બે’ ચૌધરીના પાત્રથી અનન્યા પાંડેએ દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં. આ સિરીઝમાં અનન્યાના કૉમિક ટાઇમિંગ અને એક અમીર પરિવારની યુવતીના પાત્રમાં તેના અભિનયને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. સિરીઝમાં તે મુંબઈમાં એકલી રહીને પોતાનું જીવન સંભાળતી જોવા મળે છે. હવે પહેલી સીઝનનાં બે વર્ષ બાદ ‘બે’ ફરી પાછી ફરવાની છે. પ્રાઇમ વિડિયોએ આખરે આગામી સીઝનની રિલીઝ-ડેટ જાહેર કરી દીધી છે. નવી સીઝનમાં બેલા ‘બે’ ચૌધરી ગૂંચવાયેલા પ્રેમજીવનની કહાની અને પત્રકારત્વની પડકારજનક કરીઅરની આગળની સફરમાં જોવા મળશે એવી ચર્ચા છે. આ સિવાય ‘કૉલ મી બે’ની બીજી સીઝનમાં શ્રુતિ હાસનની પણ એન્ટ્રી થવાની છે. ગઈ કાલે પ્રાઇમ વિડિયોએ એક વિડિયો શૅર કર્યો હતો જેની ક્લિપમાં અનન્યા કહે છે, ‘હું બે છું, હું છવાઈ જવા આવી છું. ખાઓ, પ્રેમ કરો, પ્રાર્થના કરો અને આજના દિવસનો ભરપૂર આનંદ માણો.’ આ વિડિયોની કૅપ્શન પરથી જાણવા મળ્યું છે કે નવી સીઝન ૧૭ ડિસેમ્બરે રિલીઝ થશે.