08 August, 2026 04:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનિલ કપૂરે ૪૬ વર્ષ બાદ તેલુગુ ફિલ્મમાં કરેલા કમબૅકનો શ્રેય આપ્યો કાજોલને
અનિલ કપૂર ‘આલ્ફા’ પછી લાંબા સમયના બ્રેક બાદ સાઉથની ફિલ્મમાં જોવા મળશે અને તેણે તાજેતરમાં જુનિયર એનટીઆર સાથેની પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. બુધવારે કાજોલનો જન્મદિવસ હતો ત્યારે અનિલ કપૂરે ખાસ પોસ્ટ કરીને સાઉથ સિનેમામાં તેના કમબૅકનું શ્રેય કાજોલને આપ્યું હતું.
કાજોલના જન્મદિવસે અનિલે તેની સાથેની એક થ્રોબૅક તસવીર શૅર કરી હતી અને જણાવ્યું હતું કે ‘કાજોલ, આ કેટલો અદ્ભુત સંયોગ છે કે આજે તારો જન્મદિવસ છે અને હું હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટીમાં ‘ડ્રૅગન’ના શૂટિંગ માટે પાછો ફર્યો છું. અહીં પાછો ફરતાં જ મને ઘણાં વર્ષો જૂની એક સુંદર યાદ આવી ગઈ છે. આપણે ‘હમ આપકે દિલ મેં રહતે હૈં’નું શૂટિંગ અહીં જ કર્યું હતું અને મને યાદ છે કે એ સમયે તેં કહ્યું હતું કે જે રીતે તમે કામ કરી રહ્યા છો એ જોતાં મને ખાતરી છે કે વર્ષો બાદ જ્યારે મારાં લગ્ન થઈ જશે અને બાળકો હશે ત્યારે પણ તમે અહીં રામોજીમાં શૂટિંગ કરતા હશો અને તમારું શ્રેષ્ઠ કામ કરતા હશો. મને ખબર નથી કે તેં આ વાત સાચે કહી હતી કે મજાકમાં, આ પ્રશંસા હતી કે નહીં; પણ મેં એને હંમેશાં આશીર્વાદની જેમ લીધી છે અને આજે હું ફરી એક વખત અહીં રામોજીમાં ઊભો છું. તારા બોલેલા શબ્દો સાચા પડી ગયા.’
આ પહેલાં ૧૯૮૦માં અનિલ કપૂરે તેલુગુ ફિલ્મ ‘વામસા વૃક્ષમ’માં કામ કર્યું હતું જે તેની પહેલી તેલુગુ ફિલ્મ હતી અને હવે લગભગ ૪૬ વર્ષ બાદ તે તેલુગુ ફિલ્મ ‘ડ્રૅગન’માં નાર્કોટિક્સ બ્યુરોના ચીફ રઘુવીર રાઠોડનો રોલ ભજવી રહ્યો છે.