24 September, 2026 04:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આયુષ્માન ખુરાના
હાઇ-ઓક્ટેન દેશભક્તિ આધારિત કોમેડીથી લઈને આગવા મ્યુઝિકલ ફેમિલી ડ્રામા સુધી, બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) ની આગામી ફિલ્મો તેમની અલગ-અલગ જોનરમાં સફર કરવાની બહુમુખી ક્ષમતાની ઝલક આપે છે. આયુષ્માન ટૂંકા અંતરે રિલીઝ થનારી બે એવી ફિલ્મો સાથે મોટા પડદા પર પરત ફરવા માટે તૈયાર છે, જે એકબીજાથી સંપૂર્ણપણે જુદી છે. સૌપ્રથમ આકાશ કૌશિક (Aakash Kaushik)ના નિર્દેશનમાં સારા અલી ખાન (Sara Ali Khan) સાથેની દેશભક્તિ આધારિત કોમેડી ફિલ્મ ‘ઉડતા તીર’ (Udta Teer) રિલીઝ થશે, ત્યારબાદ સૂરજ બડજાત્યા (Sooraj Barjatya)ના નિર્દેશનમાં શર્વરી (Sharvari) સાથેનો મ્યુઝિકલ ફેમિલી ડ્રામા ‘યે પ્રેમ મોલ લિયા’ (Yeh Prem Mol Liya) આવશે. બે ફિલ્મો અને બે અલગ દુનિયા આયુષ્માનની કારકિર્દીની એક જ જોનરથી બંધાઈ ગયા વિના સહજતાથી આગળ વધવાની ક્ષમતાને રેખાંકિત કરે છે.
આકાશ કૌશિક દ્વારા દિગ્દર્શિત તથા ધર્મા પ્રોડક્શન્સ (Dharma Productions) અને સિખ્યા એન્ટરટેઈનમેન્ટ (Sikhya Entertainment) દ્વારા નિર્મિત `ઉડતા તીર` જાસૂસીની દુનિયા અને કોમિક અફરાતફરી પર આધારિત ઝડપી ગતિની ફિલ્મ છે. આ વાર્તાના કેન્દ્રમાં આયુષ્માન ખુરાના છે, જ્યાં એક અણધારી કહાની વચ્ચે ખરેખર શું ચાલી રહ્યું છે તેની કોઈને પણ સંપૂર્ણ જાણ હોતી નથી.
`ઉડતા તીર`ના થોડા જ સમય બાદ આયુષ્માન સૂરજ બડજાત્યાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ `યે પ્રેમ મોલ લિયા` સાથે એક તદ્દન નવી સિનેમેટિક દુનિયામાં પ્રવેશ કરશે. શર્વરી સાથેની તેમની નવી જોડીને રજૂ કરતી આ ફિલ્મ મજબૂત સંગીત સાથે ભાવનાત્મક અને પરિવાર કેન્દ્રિત વાર્તાકથન શૈલી પર આધારિત છે. હિમેશ રેશમિયા (Himesh Reshamiya)ના સંગીતથી સજ્જ આ ફિલ્મમાં આયુષ્માન હિન્દી સિનેમાની પરંપરાગત ભાવનાત્મક સંગીતમય શૈલી તરફ પરત ફરતા જોવા મળશે, જેમાં પ્રેમ, પરિવાર અને સંબંધો મુખ્ય કેન્દ્રસ્થાને છે.
પોતાની ફિલ્મી પસંદગી અંગે વાત કરતા આયુષ્માન ખુરાનાએ જણાવ્યું (Ayushmann Khurrana set for two diverse releases) હતું કે, “મારી પહેલી જ ફિલ્મથી મારી ઈચ્છા રહી છે કે હું દર્શકોને અને એક અભિનેતા તરીકે મારી જાતને પણ આશ્ચર્યચકિત કરું. મેં ક્યારેય મારી જાતને એક જ ઈમેજ કે જોનર સુધી સીમિત રાખી નથી. સોશિયલ કોમેડી, અનકન્વેન્શનલ લવ સ્ટોરી કે ઇન્ટેન્સ ડ્રામા—દરેક ફિલ્મ મને નવી લાગણી અનુભવવાની તક આપે છે. આ બદલાવ વચ્ચે દર્શકોએ મને જે રીતે સ્વીકાર્યો છે તે ખાસ છે. હું આગળ પણ જોખમ લેવા અને મને પડકારતી ભૂમિકાઓ પસંદ કરવા માગું છું.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “મને આ સફરની અનિશ્ચિતતા રોમાંચિત કરે છે. હું ઈચ્છું છું કે મારી દરેક ફિલ્મ એક નવા અધ્યાય જેવી લાગે. `Udta Teer` અને `Yeh Prem Mol Liya` સંપૂર્ણપણે જુદા અનુભવો છે. એક ફિલ્મ જોનરની સીમાઓ તોડીને દેશભક્તિ આધારિત કોમેડીની પરિસ્થિતિઓ શોધવાની તક આપે છે, જ્યારે બીજી ફિલ્મ ફેમિલી ડ્રામાની હૂંફ અને સંગીતમાં લઈ જાય છે. મારા માટે વર્સેટિલિટી એટલે માત્ર જોનર બદલવું નહીં, પરંતુ દરેક પાત્રની સચ્ચાઈ શોધીને દર્શકોને કંઈક નવું આપવું છે.”
જોનર બદલવાની આ ક્ષમતા શરૂઆતથી જ આયુષ્માનની સફરનો મહત્વપૂર્ણ ભાગ રહી છે. બિનપરંપરાગત નાયક અને સોશિયલ કોમેડીથી લઈને રોમાન્સ, ડ્રામા, એક્શન અને હવે દેશભક્તિ આધારિત કોમેડી તથા મ્યુઝિકલ ફેમિલી સાગા સુધી, તેમની ફિલ્મોગ્રાફી સતત વૈવિધ્યસભર રહી છે. બોલિવૂડમાં બહુ ઓછા કલાકારો આટલી વિવિધતા અજમાવવાનું જોખમ લે છે. આયુષ્માને આ અનિશ્ચિતતાને જ પોતાની ઓળખ બનાવી છે અને દર્શકોએ પણ તેમની વર્સેટિલિટી પર પૂરતો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.