04 January, 2025 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનો સીન
૩૫ વર્ષ પહેલાં ૧૯૮૯માં આવેલી સૂરજ બડજાત્યાની સુપરહિટ ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’માં સલમાન ખાન અને ભાગ્યશ્રીની જોડી ચમકી હતી અને સુપરહિટ રહી હતી. ફિલ્મના ગીત ‘દિલ દીવાના’ના શૂટિંગ દરમ્યાન ભાગ્યશ્રીને લાગ્યું હતું કે સલમાન ખાન તેની સાથે ફ્લર્ટ કરી રહ્યો છે.
ભાગ્યશ્રીએ આ ફિલ્મના શૂટિંગના દિવસોની યાદ તાજી કરતાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘દિલ દીવાના’ ગીતના શૂટિંગ વખતે સલમાન ખાન તેની પાછળ-પાછળ ફરતો હતો અને તેની બાજુમાં બેસીને તેના કાનમાં સતત ગીત ગણગણતો હતો. એથી તેને લાગ્યું કે સલમાન તેની સાથે ફ્લર્ટ કરી રહ્યો છે. તે મનમાં વિચારી રહી હતી કે હંમેશાં એકદમ જેન્ટલમૅનની જેમ વર્તન કરનાર આજે કેમ આમ ફ્લર્ટિંગ કરી રહ્યો છે, તે પરેશાન થઈ ગઈ.
ભાગ્યશ્રીએ આગળ કહ્યું કે તેને પરેશાન જોઈને સલમાન ખાને તેને એક બાજુ લઈ જઈને કહ્યું કે મને ખબર છે તું કોઈને પ્રેમ કરે છે અને તેનું નામ હિમાલય છે, તું હિમાલયને અહીં સેટ પર કેમ નથી બોલાવતી? ત્યાર બાદ તેઓ સારાં મિત્ર બની ગયાં હતાં અને આજ સુધી મિત્રતા છે.
ઇન્ટરવ્યુમાં આગળ ભાગ્યશ્રીએ સલમાન ખાન શૂટિંગ દરમ્યાન તેનું ખૂબ ધ્યાન રાખતો અને ખૂબ મદદ કરી હતી એની યાદો તાજા કરી હતી અને જણાવ્યું હતું કે ફિલ્મની રજૂઆત બાદ ૧૯૯૦માં તેણે જ્યારે હિમાલય દાસાની સાથે લગ્ન કર્યાં ત્યારે તેના કોઈ કુટુંબીજનો લગ્નમાં હાજર રહ્યા નહોતા, પણ સલમાન ખાન અને સૂરજ બડજાત્યા તેના માટે હાજર રહ્યા હતા.