09 May, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઑપરેશન સિંદૂર
Operation Sindoor મેળવવાની રેસમાં બૉલિવૂડ, 15 મેકર્સે નામ રજિસ્ટર કરાવવા માટે અરજી મોકલી છે, જાણો કોને અને કેવી રીતે મળશે ટાઈટલ?
ભારત તરફથી તાજેતરમાં જ કરવામાં આવેલા ઑપરેશન સિંદૂર બાદ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ ટાઈટલને લઈને રેસ લાગી છે. ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લૉઈ (FWICE)ના અધ્યક્ષ બી.એન. તિવારીએ એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 15 ફિલ્મ મેકર્સ અને સ્ટૂડિયોઝએ આ ટાઇટલને રજિસ્ટર કરાવવા માટે અરજીઓ આપી છે. આ રજિસ્ટ્રેશન ઇન્ડિયન મોશન પિક્ચર પ્રૉડ્યૂસર્સ એસોસિએશન (IMPPA)ના માધ્યમે કરવામાં આવી રહ્યા છે.
`ઑપરેશન સિંદૂર` પર બનશે ફિલ્મ
સૂત્રો પ્રમાણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં (Film Industry) આ ચલણ નવું નથી. જ્યારે પણ કોઈ મોટો રાષ્ટ્રીય મુદ્દો કે ઘટના સામે આવે છે, ફિલ્મ મેકર્સ તરત તેની સાથે જોડાયેલું ટાઈટલ રજિસ્ટર કરાવવાનો પ્રયત્ન કરે છે. પછી ભલે તે ટાઈટલ પર ફિલ્મ બને કે ન બને, પણ ટાઈટલ સુરક્ષિત કરી રાખવું જરૂરી થઈ પડે છે. `ઉરી`, `વૉર` અને `ફાઈટર` જેવી ફિલ્મોની સફળતા બાદ એ જોવામાં આવ્યું છે કે વૉર કે દેશભક્તિ પર બેઝ્ડ સ્ટોરીઝ દર્શકો વચ્ચે ખૂબ જ પૉપ્યુલર છે.
નામ નોંધાવવા માટે સ્પર્ધા
ફિલ્મ નિર્માતા અશોક પંડિતે આ વિશે વાત કરી અને સ્વીકાર્યું કે તેમણે `ઓપરેશન સિંદૂર` નામ નોંધાવવા માટે અરજી કરી છે. તેમણે કહ્યું કે ફિલ્મ બનશે કે નહીં તે અત્યારે કહેવું મુશ્કેલ છે, પરંતુ જ્યારે દેશ સાથે જોડાયેલો કોઈ મોટો મુદ્દો સામે આવે છે, ત્યારે નિર્માતા તરીકે અમારું પહેલું પગલું ટાઇટલ રજીસ્ટર કરવાનું છે. ફિલ્મનું આયોજન શીર્ષક વિના શરૂ પણ થઈ શકતું નથી.
અશોક પંડિતે એમ પણ કહ્યું કે તેઓ આ વિષય સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા અનુભવે છે. તેમણે આગળ કહ્યું, `મને ખબર છે કે આ દેશ કઈ પરિસ્થિતિમાંથી પસાર થયો છે. છેલ્લા ૩૦-૩૫ વર્ષથી આપણે પાકિસ્તાનથી જે સહન કર્યું છે તે કોઈથી છુપાયેલું નથી, હું પોતે પણ તે પીડા અનુભવું છું કારણ કે મારા સમુદાયે આ આતંકવાદનો સીધો ભોગ લીધો છે.
તમને જણાવી દઈએ કે, જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેના બદલામાં, ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું. આ અંતર્ગત પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જો આપણે ફિલ્મ વિશે વાત કરીએ તો, બોલિવૂડમાં વાસ્તવિક યુદ્ધની ઘટનાઓ સાથે સંબંધિત ઘણી ફિલ્મો બની ચૂકી છે, જેમાં ઉરી, બોર્ડર, કારગિલ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.