બૉર્ડર 2 બની ગઈ છે બૉલીવુડની બીજા નંબરની સૌથી લાંબી વૉર ફિલ્મ

22 January, 2026 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સની દેઓલ, વરુણ ધવન, દિલજિત દોસાંઝ અને અહાન શેટ્ટી અભિનીત ફિલ્મ ‘બૉર્ડર 2’ ૧૯૯૭માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘બૉર્ડર’ની સીક્વલ છે

`બૉર્ડર 2`નું પોસ્ટર

સિનેમાઘરોમાં ‘બૉર્ડર 2’ રિલીઝ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ૨૩ જાન્યુઆરીએ મોટા પડદા પર રિલીઝ થવા પહેલાં ફિલ્મને સેન્સર બોર્ડ પાસે મોકલવામાં આવી હતી, જ્યાંથી એને સર્ટિફિકેટ મળ્યું છે અને આશ્ચર્યજનક રીતે ફિલ્મમાં એક પણ કટ લાગ્યો નથી. એટલું જ નહીં, રિલીઝ પહેલાં જ આ વૉર ફિલ્મ બૉલીવુડની બીજા નંબરની લાંબી વૉર ફિલ્મ બની ગઈ છે.

સની દેઓલ, વરુણ ધવન, દિલજિત દોસાંઝ અને અહાન શેટ્ટી અભિનીત ફિલ્મ ‘બૉર્ડર 2’ ૧૯૯૭માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘બૉર્ડર’ની સીક્વલ છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ 
ફિલ્મ-સર્ટિફિકેશન પાસે મોકલવામાં આવી હતી જ્યાં તેને U/A 13+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. સર્ટિફિકેટ પર ફિલ્મનો રનટાઇમ ૩ કલાક ૧૬ મિનિટ દર્શાવવામાં આવ્યો છે. એના કારણે તે બોલીવુડની સૌથી લાંબી વૉર ફિલ્મોમાંથી એક બની ગઈ છે.

બૉલીવુડની સૌથી લાંબી વૉર ફિલ્મોની વાત કરીએ તો પ્રથમ સ્થાન પર જે. પી. દત્તાની ‘LOC: કારગિલ’ આવે છે જે ૨૦૦૩માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનો રનટાઇમ ૪ કલાક ૧૫ મિનિટ હતો. જોકે આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ સાબિત થઈ હતી. બીજા ક્રમે ધર્મેન્દ્રની ફિલ્મ ‘હકીકત’ આવે છે જે ૧૯૬૪માં રિલીઝ થઈ હતી અને એનું દિગ્દર્શન ચેતન આનંદે કર્યું હતું. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી અને એનો રનટાઇમ ૩ કલાક ૪ મિનિટ હતો. જોકે હવે ૩ કલાક ૧૬ મિનિટની ‘બૉર્ડર 2’એ રનટાઇમના મામલે ‘હકીકત’ને પાછળ છોડી દીધી છે.

border upcoming movie sunny deol varun dhawan diljit dosanjh ahan shetty box office entertainment news bollywood bollywood news