01 February, 2026 11:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાનની ફાઇલ તસવીર
સલમાન ખાન અને તેના પરિવાર વિરુદ્ધ થોડા મહિના પહેલાં ફિલ્મમેકર અભિનવ કશ્યપે અનેક ઇન્ટરવ્યુમાં આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી. એ પછી સલમાને તેની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. હવે આ મામલે મુંબઈની સિવિલ કોર્ટે અભિનવ કશ્યપને ચેતવણી આપી છે અને સલમાન ખાન તથા તેના પરિવાર સામે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવા પર અસ્થાયી રોક લગાવી દીધી છે.
ગયા વર્ષે સપ્ટેમ્બર અને ડિસેમ્બર વચ્ચે જાહેર થયેલા અભિનવ કશ્યપના ૨૬ વિડિયો-ઇન્ટરવ્યુ અને પૉડકાસ્ટની સિરીઝ પછી સલમાન ખાને સિવિલ કોર્ટમાં અભિનવ કશ્યપ અને અન્ય કેટલાક લોકો સામે માનહાનિનો દાવો કર્યો હતો જેમાં કાયમી પ્રતિબંધની સાથે સાથે ૯ કરોડ રૂપિયાના વળતરની માગણી કરવામાં આવી હતી.
આ મામલામાં સલમાન દ્વારા દાખલ કરાયેલા કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનવ કશ્યપે મારા અને મારા પરિવાર સામે અપમાનજનક, ખોટી અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતી ટિપ્પણીઓ કરી છે.