27 November, 2025 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપિકા પાદુકોણ, કૅટરિના કૈફ
દીપિકા પાદુકોણ અને કૅટરિના કૈફ બન્ને અનુક્રમે સ્કિનકૅર બ્રૅન્ડ અને બ્યુટી બ્રૅન્ડ ધરાવે છે. તાજેતરના આંકડા મુજબ દીપિકાના સ્કિનકેર બ્રૅન્ડ 820Eને ભારે આર્થિક નુકસાન થયું છે, જ્યારે કૅટરિના કૈફની બ્યુટી લાઇન ‘કે બ્યુટી’ બિઝનેસમાં સતત પ્રગતિ કરી રહી છે.
રિપોર્ટ મુજબ દીપિકાની સ્કિનકેર કંપની 820Eને ૨૦૨૪-’૨૫માં ૧૨.૨૬ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મિનિસ્ટ્રી ઑફ કૉર્પોરેટ અફેર્સના ડેટા મુજબ કંપનીની રેવન્યુમાં લગભગ ૩૦ ટકાનો ઘટાડો થયો છે. એ દરમ્યાન કંપનીએ એનું માર્કેટિંગ બજેટ ૨૦ કરોડ રૂપિયાથી ઘટાડીને ૪.૪ કરોડ રૂપિયા કરી નાખ્યું હતું અને બ્રૅન્ડના પ્રચાર માટે મુખ્યત્વે દીપિકાની પૉપ્યુલરિટી અને સોશ્યલ મીડિયા પર આધાર રાખ્યો હતો. 820Eમાં પ્રોડક્ટ્સની કિંમત ૨૫૦૦થી ૪૦૦૦ રૂપિયા સુધીની હોય છે અને આ પ્રીમિયમ પ્રાઇસિંગ પણ વેચાણ ઘટાડવાનું એક કારણ હોવાનું કહેવાય છે.
કૅટરિના કૈફની બ્યુટી બ્રૅન્ડની વાત કરીએ તો ૨૦૧૯માં લૉન્ચ થયેલી બ્યુટી લાઇન ‘કે બ્યુટી’ નોંધપાત્ર રીતે આગળ છે. ૨૦૨૪-’૨૫માં તેની રેવન્યુ ૮૮.૨૩ કરોડ નોંધાઈ છે અને કંપનીને ૧૧.૩ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ થયો છે. કૅટરિના પોતાની બ્રૅન્ડનો સોશ્યલ મીડિયા પર સતત પ્રચાર કરે છે જેનાથી બ્રૅન્ડની પકડ અને વેચાણ બન્ને મજબૂત બન્યાં છે.