11 November, 2025 10:06 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ધર્મેન્દ્રની દીકરી એશા દેઓલે પિતાના સ્વાસ્થ્ય અંગે આપ્યું આ અપડેટ
બોલિવૂડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર (Dharemndra) ને શ્વાસ લેવામાં તકલીફ પડતાં ગઈ કાલે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં આજે સવારે તેમની પીઆર ટીમ દ્વારા પુષ્ટિ કરવામાં આવી કે, ધર્મેન્દ્રનું દુઃખદ નિધન (Dharmendra Death) થયું છે. જોકે, મીડિયામાં આ સમાચાર આવ્યાની થોડીક જ મિનિટોમાં ધર્મેન્દ્રની દીકરી એશા દેઓલ (Esha Deol) એ તેમના મૃત્યુની અફવા હોવાનું અને તબિયત સ્થિર હોવાનું સોશ્યલ મીડિયાના માધ્યમથી જણાવ્યું. ત્યારે ફેન્સ ખરેખર ચિંતામાં છે કે, શું થયું ધર્મેન્દ્રને!
૮૯ વર્ષીય બોલિવૂડના `હી-મેન` તરીકે જાણીતા ધર્મેન્દ્રને મુંબઈ (Mumbai) ની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલ (Breach Candy Hospital) માં દાખલ કરવામાં આવ્યા છે. આજે સવારે અભિનેતા ધર્મેન્દ્રની ટીમે તેમના નિધનની પુષ્ટિ કરી છે. જોકે, બ્રીચ કેન્ડી હૉસ્પિટલ દ્વારા હજી સુધી કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું.
આજે સવારે ધર્મેન્દ્રના મૃત્યુના અહેવાલો વચ્ચે તેની દીકરી એશા દેઓલે એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં તેણે કહ્યું કે, તેમના પિતા સ્થિર અને સ્વસ્થ છે.
સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એશા દેઓલે એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘મીડિયા વધુ પડતું કામ કરી રહ્યું છે અને ખોટા સમાચાર ફેલાવી રહ્યું છે. મારા પિતાની હાલત સ્થિર છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. અમે બધાને અમારા પરિવારને ગોપનીયતા આપવા વિનંતી કરીએ છીએ. પપ્પાના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવા બદલ આભાર.’
એશા દેઓલના આ પોસ્ટ પછી ધર્મેન્દ્રના ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે. જોકે, અનેક લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે ખરેખર તેમના પ્રિય અભિનેતા ધર્મેન્દ્રની હાલત સ્થિર છે કે નહીં!
બોલિવૂડના `હી-મેન` ધમેન્દ્રને શ્વાસ લેવામાં તકલીફ પડતા ગઈકાલથી હૉસ્પિટલમાં દાખલ છે. બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. ગઈકાલે સાંજે પણ તેમના મૃત્યુના સમાચાર વાયરલ થયા હતા. ત્યારે ધર્મેન્દ્રની પત્ની હેમા માલિની (Hema Malini) એ તબિયત બાબતે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર માહિતી શૅર કરતાં લખ્યું હતું કે ‘હું એ બધાની આભારી છું જેઓ હૉસ્પિટલમાં ઑબ્ઝર્વેશન હેઠળ રહેલા ધરમજીની કાળજી પૂછી રહ્યા છે. તેમને સતત મૉનિટર કરવામાં આવી રહ્યા છે અને અમે બધા તેમની સાથે જ છીએ. હું તમને બધાને વિનંતી કરું છું કે તેઓ જલદી સાજા થઈ જાય એ માટે પ્રાર્થના કરો.’
બીજી બાજુ, ઘણા સેલિબ્રિટીઓ ધર્મેન્દ્રની તબિયત જોવા અને દેઓલ પરિવારને સાંત્વના આપવા હૉસ્પિટલ પહોંચ્યા હતા. ધર્મેન્દ્રના પરિવારમાંથી સની દેઓલ, એશા દેઓલ, રાજવીર દેઓલ, કરણ દેઓલ અને તાન્યા દેઓલ હૉસ્પિટલમાં જોવા મળ્યા હતા. ચાહકો પણ તેમના સ્વસ્થ થવા માટે સતત પ્રાર્થના કરી રહ્યાં છે.