25 March, 2026 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ધુરંધર : ધ રિવેન્જનો નવાબ શફીક (ડાબે), નવાઝ શરીફ (જમણે) અને ઇનસાઇડમાં મશહૂર અમરોહી
આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ એના કાસ્ટિંગ માટે પણ ભારે પ્રશંસા મેળવી રહી છે. દર્શકો ફિલ્મનાં પાત્રો અને રિયલ લાઇફ વ્યક્તિઓ વચ્ચેની સમાનતાને લઈને ખૂબ પ્રભાવિત થયા છે. ફિલ્મમાં ઍક્ટર મશહૂર અમરોહી દ્વારા ભજવાયેલું નવાબ શફીકનું પાત્ર પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ પરથી પ્રેરિત હોવાનું કહેવાય છે. મશહૂરે ભજવેલું આ પાત્ર ઘણું ચર્ચામાં છે. ફિલ્મમાં મશહૂર માત્ર બે સીનમાં દેખાયો હોવા છતાં તેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. મશહૂર અમરોહી જાણીતા ફિલ્મમેકર કમાલ અમરોહીનો પૌત્ર છે અને ‘અક્યુઝ્ડ’, ‘ફ્રીડમ ઍટ મિડનાઇટ’ અને ‘વૉર’ જેવા પ્રોજેક્ટ્સમાં પણ જોવા મળી ચૂક્યો છે.
નવાબ શફીકનું પાત્ર ભજવવાના અનુભવ વિશે વાત કરતાં મશહૂરે જણાવ્યું હતું કે ‘ઘણા લોકોને લાગ્યું કે આ પાત્ર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી બનાવવામાં આવ્યું છે. કોઈને વિશ્વાસ જ નહોતો બેસતો કે આ રોલ મેં કર્યો છે. મારા માટે સૌથી મોટી કૉમ્પ્લીમેન્ટ એ છે કે લોકો માનતા જ નથી કે એ હું છું. કેટલાક લોકો કહે છે કે આ AI છે. મેં આટલી પ્રશંસાની અપેક્ષા નહોતી રાખી.’
ઇન્ટરવ્યુ દરમ્યાન પાત્ર ભજવવા માટેના પોતાના પ્રયાસ વિશે વાત કરતાં મશહૂરે કહ્યું હતું કે ‘શરૂઆતમાં લુક-ટેસ્ટ દરમ્યાન મેકઅપ-ટીમ ડિરેક્ટર આદિત્ય ધરની અપેક્ષા મુજબ પરિણામ આપી શકી નહોતી. ત્યાર બાદ મેકઅપ-આર્ટિસ્ટ પ્રીતિશીલ સિંહે ખૂબ મહેનત કરી હતી. ૪ દિવસ સુધી રોજ મારે ૮ કલાકથી વધુ મેકઅપ માટે બેસવું પડતું હતું જેથી પાત્રનું વજન, ચહેરો અને ઉંમર બરાબર દેખાડી શકાય. આ વજન દર્શાવવા માટે મેં ખાસ બૉડીસૂટ પહેર્યો હતો જેમાં પાઉચની મદદથી પેટ પણ બનાવવામાં આવ્યું હતું.’