11 August, 2026 12:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફરહાન અખ્તર અને રણવીર સિંહની ફાઇલ તસવીર
ફિલ્મ નિર્માતા અને અભિનેતા ફરહાન અખ્તર (Farhan Akhtar) એ `ડોન ૩` (Don 3) માંથી રણવીર સિંહ (Ranveer Singh) ની વિવાદાસ્પદ એક્ઝિટ પર પરોક્ષ રીતે કટાક્ષ કરતા ટિપ્પણી (Don 3 controversy) કરી હતી કે, શૂટિંગના થોડા અઠવાડિયા પહેલા જ કલાકારોનું પ્રોજેક્ટમાંથી દૂર થવું ‘આજકાલ એક પેટર્ન બની ગઈ હોય તેમ લાગે છે.’ દિગ્દર્શકે પોતાની પ્રથમ દિગ્દર્શક ફિલ્મ `દિલ ચાહતા હૈ` (Dil Chahta Hai) ના ૨૫ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભૂતકાળના અનુભવો યાદ કરતી વખતે આ વાત કહી હતી.
ભારતીય સિનેમામાં `દિલ ચાહતા હૈ`ના ૨૫ વર્ષની ઉજવણી દરમિયાન `ધ હોલીવુડ રિપોર્ટર ઇન્ડિયા` સાથેની વાતચીતમાં ફરહાન અખ્તરે યાદ કર્યું હતું કે કેવી રીતે ૨૦૦૧માં શૂટિંગ શરૂ થવાના થોડા જ દિવસો પહેલા અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) એ તારીખોના તફાવતને કારણે `સમીર`નું પાત્ર ભજવવામાંથી લગભગ પીછેહઠ કરી લીધી હતી.
એ સમયના તણાવને યાદ કરતાં ફરહાને ખુલાસો કર્યો હતો કે સૈફનું જવું તેમના માટે ‘મોટું હાર્ટબ્રેક’ સમાન હતું કારણ કે આ રોલ ખાસ તેના માટે જ લખવામાં આવ્યો હતો. વર્તમાન સમયની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પરિસ્થિતિ સાથે તેની સરખામણી કરતાં ફરહાને હસતાં હસતાં નોંધ્યું, ‘દસ દિવસ નહીં, પણ મને લાગે છે કે શૂટિંગ શરૂ થવાના લગભગ એક મહિનો પહેલા જ એવું બન્યું હતું, જે આજકાલ એક પેટર્ન બની ગઈ હોય તેમ લાગે છે.’ જ્યારે હોસ્ટે આ સ્પષ્ટ ઈશારા પર હસવાનું શરૂ કર્યું, ત્યારે દિગ્દર્શકે હળવાશથી ઉમેર્યું, ‘માત્ર મારી સાથે જ નહીં... એવું પણ થાય છે.’
જોકે ફરહાને સ્પષ્ટપણે રણવીર સિંહનું નામ લેવાનું ટાળ્યું હતું, પરંતુ તેની આ ટિપ્પણી સીધી રીતે રણવીર સિંહ ના `ડોન ૩` માંથી અચાનક બહાર નીકળ્યા બાદ ઊભા થયેલા વિવાદ તરફ ઈશારો કરે છે.
રણવીર સિંહને ૨૦૨૩માં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને શાહરૂખ ખાન (Shah Rukh Khan) પછી આ આઇકોનિક એક્શન ફ્રેન્ચાઇઝી `ડોન`ના નવા ચહેરા તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો હતો.જોકે, શૂટિંગ શરૂ થવાના થોડા મહિના પહેલા જ રણવીરે આ પ્રોજેક્ટ છોડી દીધો હતો.
અહેવાલો મુજબ, આખરી સ્ક્રિપ્ટ અંગે સર્જનાત્મક મતભેદો હોવાનું કહેવાય છે, જ્યારે સામે પક્ષે તારીખોના ગોટાળા અને નાણાકીય વિવાદોના આરોપો પણ મૂકવામાં આવ્યા હતા. આ અચાનક એક્ઝિટને કારણે એક્સેલ એન્ટરટેઇનમેન્ટ (Excel Entertainment) અને અભિનેતા વચ્ચે કાનૂની નોટિસો પાઠવવામાં આવી હતી, અને આ વિવાદ પ્રી-પ્રોડક્શનના નુકસાનને લઈને `ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ` (Federation of Western India Cine Employees - FWICE) જેવી સંસ્થાઓ સુધી પહોંચ્યો હતો.
આધુનિક બોલિવૂડમાં ફિલ્મ નિર્માણના અનિશ્ચિત સ્વભાવ વિશે વાત કરતાં ફરહાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, અનુભવે તેને આવા અચાનક આવતા વળાંકોને સર્જનાત્મક પ્રવાસના એક ભાગ તરીકે સ્વીકારતા શીખવ્યું છે. તેણે નોંધ્યું હતું કે આવા છેલ્લી ઘડીના એક્ઝિટ્સ સર્જનાત્મક અને વ્યવસાયિક રીતે પડકારજનક હોઈ શકે છે, પરંતુ પ્રોજેક્ટ સત્તાવાર રીતે કેમેરામાં કેદ ન થાય ત્યાં સુધી ફિલ્મ સર્જકોએ અણધારી પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવું પડે છે.
જોકે `ડોન ૩` અંગેના વિવાદે શરૂઆતી સમયમર્યાદા ખોરવી નાખી છે, છતાં ફરહાને અગાઉ પુષ્ટિ કરી હતી કે પ્રોજેક્ટ હજુ પણ ચાલુ છે અને કાસ્ટિંગ તથા પ્રી-પ્રોડક્શન ફરીથી ગોઠવાઈ ગયા પછી એક્સેલ એન્ટરટેઇનમેન્ટ આ ત્રીજો ભાગ મોટા પડદા પર લાવવા માટે કટિબદ્ધ છે.