01 September, 2026 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દૃશ્યમ : ધ કન્ક્લુઝન માટે અજય દેવગનને મળ્યા છે સૌથી વધારે ૧૮થી ૨૨ કરોડ રૂપિયા
અજય દેવગન પોતાની આગામી ફિલ્મ ‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’ને લઈને ચર્ચામાં છે. અભિષેક પાઠકના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ ફ્રૅન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. હાલમાં આ ફિલ્મમાં કામ કરવા માટે સ્ટાર્સને કેટલી ફી મળી છે એનો ખુલાસો થયો છે.
ફિલ્મમાં અજય દેવગન પોતાના પાત્ર ‘વિજય સાલગાવકર’ તરીકે કમબૅક કરવા તૈયાર છે. રિપોર્ટ અનુસાર અજયે ફિલ્મ માટે ૧૮થી ૨૨ કરોડ રૂપિયા ફી લીધી છે. ફિલ્મમાં અજયની પત્ની નંદિની સાલગાવકરનું પાત્ર ભજવનારી અભિનેત્રી શ્રિયા સરનને એકથી દોઢ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તે પોતાના જૂના અંદાજમાં જોવા મળશે.
ફિલ્મમાં પોલીસ-અધિકારી મીરા દેશમુખનું પાત્ર ભજવનારી તબુને આ ફિલ્મ માટે અઢીથી સાડાત્રણ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ફ્રૅન્ચાઇઝીની અગાઉની ફિલ્મોમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. પોલીસ-અધિકારી મીરા દેશમુખના પતિ મહેશ દેશમુખનું પાત્ર ભજવનારા રજત કપૂરને ૪૦થી ૭૦ લાખ રૂપિયા અને અજય દેવગનની મોટી દીકરી અંજુ સાલગાવકરનું પાત્ર ભજવનારી ઇશિતા દત્તાને ૫૦થી ૮૦ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.