13 May, 2026 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘એક દિન’ દર્શકોને ખાસ ગમી નથી
આમિર ખાનના દીકરા જુનૈદ ખાન અને સાઈ પલ્લવીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘એક દિન’ દર્શકોને ખાસ ગમી નથી અને બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ સાબિત થઈ છે. OTT પર ‘મહારાજ’થી ડેબ્યુ કરનાર જુનૈદની થિયેટરમાં રિલીઝ થનારી બન્ને ફિલ્મો નિષ્ફળ ગઈ છે. ‘એક દિન’ પહેલાં જુનૈદ ‘લવયાપા’માં જોવા મળ્યો હતો. ‘એક દિન’ આમિર ખાને પોતાના બૅનર હેઠળ પ્રોડ્યુસ કરી હતી અને ફિલ્મનું જોરદાર પ્રમોશન કર્યું હતું, પરંતુ આમિરના તમામ પ્રયાસો છતાં ફિલ્મ ચાલી ન શકી.
હવે જુનૈદે એક વાતચીતમાં ‘એક દિન’ની નિષ્ફળતા વિશે વાત કરી છે. જુનૈદે કહ્યું હતું કે ‘અમને ફિલ્મથી ઘણી અપેક્ષા હતી, પરંતુ મને લાગે છે કે ફિલ્મે સારું પ્રદર્શન કર્યું નથી. ક્યારેક આવું થાય. આ એવી ફિલ્મ હતી જે મને ખૂબ ગમી હતી અને મેં એને ખૂબ એન્જૉય કરી હતી. મને લાગે છે કે અમને બધાને ફિલ્મ ગમી હતી. ઘણા લોકોને ફિલ્મ ગમી હશે, પરંતુ કદાચ મોટા ભાગના લોકોને નહીં ગમી હોય. ક્યારેક આવું બની જાય છે.’
‘એક દિન’ની નિષ્ફળતા વિશે જ્યારે જુનૈદને પૂછવામાં આવ્યું કે આમિર ખાન આ નિષ્ફળતાને કેવી રીતે લઈ રહ્યો છે ત્યારે તેણે કહ્યું કે આમિર પોતાના દરેક પ્રોજેક્ટ સાથે ભાવનાત્મક રીતે જોડાઈ જાય છે. જુનૈદે કહ્યું કે ‘પપ્પા હજી પણ આશા રાખી રહ્યા છે. આટલો અનુભવ હોવા છતાં ફિલ્મોની નિષ્ફળતાની તેમના પર ઘણી અસર થાય છે. તેઓ પોતાને વ્યસ્ત રાખે છે અને ફરી કામમાં લાગી જાય છે.’ જુનૈદે તેની કરીઅરમાં પિતાના પ્રભાવ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘હું હવે કોઈ નવો પ્રોજેક્ટ સાઇન કરતાં પહેલાં પપ્પાની સલાહ નથી લેતો. ‘એક દિન’ વખતે મારાથી આ ભૂલ થઈ ગઈ હતી. મેં તેમની સલાહ લીધી તો તેમણે સ્ક્રિપ્ટ સાંભળીને ફિલ્મ પ્રોડ્યુસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. આમિર ખાન પ્રોડક્શન ખૂબ મોટું બૅનર છે. ત્યાં દરેક વસ્તુમાં સમય લાગે છે. જો પપ્પાને કોઈ પ્રોજેક્ટ ગમી જાય તો ફિલ્મ બનવામાં ત્રણ, ચાર કે પાંચ વર્ષ પણ લાગી શકે છે. હું હાલમાં મારી કરીઅરની શરૂઆતમાં છું એથી મારા માટે સતત કામ કરવું જરૂરી છે.’