14 July, 2026 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન (સૌજન્ય મિડડે)
Entertainment update: સલમાન ખાન હાલમાં બાંદરામાં આવેલા એક ડબિંગ સ્ટુડિયોની બહાર જોવા મળ્યો હતો. આ દરમ્યાન ફોટોગ્રાફર્સે તેની તસવીરો ક્લિક કરી હતી અને વિડિયો પણ શૂટ કર્યા હતા. હવે સલમાનનો આ સમયનો વિડિયો તેના અનોખા લુકને કારણે સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. આ સમયે સલમાને અનોખી કાઉબૉય હૅટ પહેરી હતી. આ ઉપરાંત તેના ગળામાં એક પેન્ડન્ટ પણ જોવા મળ્યું, જેમાં ત્રણ રત્નો જડેલાં હતાં. આ પેન્ડન્ટે સલમાનના સમગ્ર લુકને વધુ આકર્ષક બનાવ્યો હતો અને ફૅન્સને તેનો આ લુક બહુ ગમ્યો હતો.
ફંક્શનમાંથી પરત આવતી સોનાક્ષીએ તેને ઘેરી વળેલા ફોટોગ્રાફર્સને દૂર કરવા માટે અજમાવ્યો અનોખો આઇડિયા.
સોનાક્ષી સિન્હા રવિવારે તેના નજીકનાં મિત્રો આકાંક્ષા રંજન કપૂર અને શરણ શર્માનાં લગ્નના રિસેપ્શન સમારોહમાં હાજરી આપવા માટે જુહુ સ્થિત જે.ડબ્લ્યુ. મૅરિયટ હોટેલમાં પહોંચી હતી. આ ફંક્શન પછી સોનાક્ષી પોતાની કાર તરફ જઈ રહી હતી ત્યારે ફોટોગ્રાફર્સે તેની તસવીરો અને વિડિયો લેવા માટે તેને ઘેરી લીધી હતી. આ પછી કારમાં બેસતાં પહેલાં સોનાક્ષીએ ખૂબ જ શાંતિપૂર્વક અને નમ્રતાથી કૅમેરામેનને રેકૉર્ડિંગ બંધ કરવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે ‘બસ, હવે ગાડીની અંદર નહીં. ઘણું થઈ ગયું. થૅન્ક યુ. બાય. ગુડ નાઇટ.’
સોનાક્ષીની વારંવારની વિનંતી છતાં કેટલાક ફોટોગ્રાફર્સ કારની નજીક જ ઊભા રહ્યા. ત્યાર બાદ સોનાક્ષીએ હળવા સ્મિત સાથે પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ‘જ્યાં સુધી તમે નહીં જાઓ, ત્યાં સુધી હું ગાડીમાં નહીં બેસું.’
સોનાક્ષીના આ અનોખા આઇડિયા પછી ફોટોગ્રાફર્સે રેકૉર્ડિંગ બંધ કરી દીધું અને કારથી દૂર ખસી ગયા. આ પછી સોનાક્ષી આરામથી કારમાં બેસીને ત્યાંથી રવાના થઈ હતી. સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન સોનાક્ષીનો સ્વર શાંત અને સૌજન્યપૂર્ણ રહ્યો હતો, પણ સાથે જ તેણે મક્કમ અભિગમ અપનાવ્યો હતો.
ફૅને તેમની સાથેની તસવીરમાં વી સાઇન બનાવી એટલે શત્રુઘ્ન સિન્હાએ આપ્યો વિચિત્ર પ્રતિભાવ.
શત્રુઘ્ન સિન્હાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં તેમના વર્તન બદલ ટીકા થઈ રહી છે. આ વિડિયોમાં જોવા મળે છે કે એક ફૅન શત્રુઘ્ન સિન્હાની બાજુમાં ઊભો રહીને ફોટો પડાવતી વખતે આંગળીઓથી ‘વી’ એટલે કે વિક્ટરી સાઇન બનાવે છે. આ જોઈને શત્રુઘ્ન સિન્હા નારાજ થઈ જાય છે અને તેના હાથ પર હળવો ફટકો મારીને કહે છે, ‘હાથ નીચે.’ અભિનેતાની આ પ્રતિક્રિયાથી ફૅનને થોડો આઘાત લાગે છે અને તે તરત જ ત્યાંથી દૂર જતો જોવા મળે છે. જોકે શત્રુઘ્ન સિંહાએ આ વર્તન નારાજ થઈને કર્યું છે કે હળવાશથી કહ્યું એ ખબર નથી પડતી.