Entertainment Updates: ફોટોગ્રાફર્સે બર્થ-ડે કેકની સરપ્રાઇઝ આપી એટલે અનુપમ ખેરની આંખમાં આંસુ આવી ગયાં

09 March, 2026 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Entertainment Updates: શાહિદ કપૂરે શરૂ કરી દીધું ફર્ઝી 2નું શૂટિંગ; આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે અજય દેવગને તેના જીવનની ખાસ મહિલાઓની તસવીરોનો કોલાજ શૅર કર્યો અને વધુ સમાચાર

ઈમોશનલ થયેલા અનુપમ ખેર

શનિવારે અનુપમ ખેરની ૭૧મી વર્ષગાંઠ હતી. અનુપમ ખેરે તેમના જન્મદિનના દિવસે એક અવૉર્ડ-ફંક્શનમાં હાજરી આપી હતી. આ ફંક્શનના રેડ કાર્પેટ પર ફોટોગ્રાફર્સ માટે પોઝ આપતી વખતે ફોટોગ્રાફર્સે તેમને બુકે અને બર્થ-ડે કેકની સરપ્રાઇઝ આપીને જન્મદિનની શુભેચ્છા આપી હતી. આ અચાનક મળેલા પ્રેમથી અનુપમ ખેર ભાવુક બની ગયા અને કેક કાપતાં પહેલાં તેમની આંખમાં આંસુ આવી ગયાં હતાં.એ સિવાય અનુપમ ખેરે પોતાના સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તેમનાં મમ્મી તેમના જન્મદિનના અવસરે પૂજા કરતાં જોવા મળે છે. વિડિયોમાં તેમનાં મમ્મીએ બે ટી-શર્ટ ભેટ આપ્યાં હતાં. સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરતાં અનુપમે લખ્યું હતું કે આજે મારાં મમ્મીએ વહેલી સવારે મને આશીર્વાદ આપ્યા અને તમામ વિધિ સાથે પૂજા કરાવી હતી.

ધિસ સિંઘમ ઇઝ નથિંગ વિધાઉટ હિઝ શેરનીઝ : આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે અજય દેવગને તેના જીવનની ખાસ મહિલાઓની તસવીરોનો કોલાજ શૅર કર્યો

ગઈ કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અજય દેવગને પોતાના જીવનની મહિલાઓ માટે એક ભાવુક પોસ્ટ શૅર કરીને સોશ્યલ મીડિયા પર ચાહકોનાં દિલ જીતી લીધાં છે. અજયે તેની પત્ની કાજોલ, દીકરી નિસા, સાસુ તનુજા, સાળી તનીષા, મમ્મી વીણા અને બહેન કવિતાની તસવીરો શૅર કરીને તેમને પોતાની ‘શેરનીઓ’ ગણાવી હતી. આ તસવીર સાથે અજયે કૅપ્શન લખી છે, ‘ધિસ સિંઘમ ઇઝ નથિંગ વિધાઉટ હિઝ શેરનીઝ’ એટલે કે આ સિંઘમ તેની શેરનીઓ વગર કાંઈ જ નથી. અજયની આ કૅપ્શન પર ફૅન્સ ખુશ છે.

શૈતાન અને તેના લાડુ હજી પણ મારો પીછો નથી છોડતા : શૈતાનની રિલીઝનાં બે વર્ષ પૂર્ણ થવાના અવસરે અજય દેવગને સોશ્યલ મીડિયા પર મજેદાર પોસ્ટ શૅર કરી

અજય દેવગનની સુપરનૅચરલ થ્રિલર ફિલ્મ ‘શૈતાન’ રિલીઝ થઈ એને હવે બે વર્ષ પૂર્ણ થયાં છે. આ ખાસ અવસરે અજયે સોશ્યલ મીડિયા પર એક મજેદાર પોસ્ટ શૅર કરીને ફિલ્મ સાથે જોડાયેલી યાદો તાજી કરી હતી. તેની આ પોસ્ટ પછી ફૅન્સમાં ફરી એક વાર ફિલ્મ વિશે ચર્ચા શરૂ થઈ છે. આ ફિલ્મનાં બે વર્ષ પૂર્ણ થતાં અજય દેવગને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી તૈયાર કરેલો એક વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં અજય ભીડ વચ્ચે ચાલતો દેખાય છે અને અચાનક તેની સામે ફિલ્મમાં ‘શૈતાન’નું પાત્ર ભજવનાર આર. માધવન લાડુના મોટા ડબ્બા સાથે ઊભેલો જોવા મળે છે. આ વિડિયો શૅર કરતાં અજયે હળવાશથી લખ્યું છે, ‘શૈતાન અને તેના લાડુ હજી પણ મારો પીછો નથી છોડતા.’ ૨૦૨૪માં રિલીઝ થયેલી આ ફિલ્મે થ્રિલર અને બ્લૅક મૅજિકનાં તત્ત્વોને કારણે દર્શકોમાં ખાસ્સી લોકપ્રિયતા મેળવી હતી. ફિલ્મમાં અજય દેવગન અને આર. માધવનની ઍક્ટિંગ પણ લોકોને બહુ ગમી હતી અને બે વર્ષ બાદ પણ ફૅન્સ ફિલ્મનાં અનેક દૃશ્યો અને ડાયલૉગ્સને યાદ કરી રહ્યા છે.

શાહિદ કપૂરે શરૂ કરી દીધું ફર્ઝી 2નું શૂટિંગ

શાહિદ કપૂર હાલમાં ‘ઓ રોમિયો’માં જોવા મળ્યો હતો. વિશાલ ભારદ્વાજના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ખાસ સફળતા મેળવી શકી નહોતી અને એનું બજેટ પણ વસૂલ થઈ શક્યું નહોતું. આ ફિલ્મ પછી હવે શાહિદ કપૂરે પોતાના નવા પ્રોજેક્ટ એટલે કે થ્રિલર વેબ-સિરીઝ ‘ફર્ઝી 2’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. શાહિદે આ સમાચાર સોશ્યલ મીડિયામાં ફૅન્સ સાથે શૅર કરીને કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ સિરીઝની પહેલી સીઝન ૨૦૨૩માં ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ હતી અને હવે લગભગ ત્રણ વર્ષના લાંબા બ્રેક પછી શાહિદ કપૂરે ‘ફર્ઝી 2’ પર કામ શરૂ કર્યું છે. શાહિદ કપૂરે પોતાના સોશ્યલ મીડિયામાં સિરીઝમાંથી પોતાનો લુક પણ શૅર કર્યો હતો. તેણે બ્લૅક ઍન્ડ વાઇટ તસવીરોનો કોલાજ પોસ્ટ કરીને લખ્યું હતું, ‘ફર્ઝી’ ડે વન શૂટ. આ પોસ્ટ પછી સ્પષ્ટ થઈ ગયું છે કે મેકર્સે સત્તાવાર રીતે ‘ફર્ઝી 2’ પર કામ શરૂ કરી દીધું છે.

જાૅન એબ્રાહમ અને હર્ષવર્ધન રાણેને સાથે ચમકાવતી ફોર્સ ૩નું પહેલું શેડ્યુલ ગુજરાતમાં શરૂ

‘ફોર્સ’ અને ‘ફોર્સ 2’ની સફળતા બાદ હવે મેકર્સ આ ઍક્શન-થ્રિલર ફ્રૅન્ચાઇઝીનો ત્રીજો ભાગ લઈને આવી રહ્યા છે. લાંબા સમય બાદ ટીમ હવે નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. આ ફિલ્મમાં જૉન એબ્રાહમ અને હર્ષવર્ધન રાણે સાથે કામ કરી રહ્યા છે અને હર્ષવર્ધને પોતાના સોશ્યલ મીડિયામાં ખુલાસો કર્યો છે કે ફિલ્મનું પહેલું શેડ્યુલ ગુજરાતમાં શરૂ થઈ ગયું છે. થોડા સમય પહેલાં જ હર્ષવર્ધન રાણેએ એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તે નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરતાં પહેલાં પૂજા કરતો જોવા મળે છે. હર્ષવર્ધને એની સાથે કૅપ્શન લખી છે કે ‘‘ફોર્સ 3’ અમારી સાથે રહે. પહેલું શેડ્યુલ ગુજરાતમાં.’ જોકે આ પોસ્ટમાં ગુજરાતમાં ક્યાં શૂટિંગ થઈ રહ્યું છે એ વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 

પ્રભાસની ફૌજીમાં અનુપમ ખેરનો ખાસ રોલ

સાઉથના સુપરસ્ટાર પ્રભાસની આવનારી તેલુગુ પિરિયડ ડ્રામા ફિલ્મ ‘ફૌજી’માં અનુપમ ખેરનો ખાસ રોલ હોવાનો ખુલાસો થયો છે. અનુપમ ખેરની ૭૧મી વર્ષગાંઠે ફિલ્મના પ્રોડક્શન-હાઉસે આ વાતનો ખુલાસો કર્યો છે. પ્રોડક્શન-હાઉસે સોશ્યલ મીડિયા પર અનુપમ ખેરને જન્મદિનની શુભેચ્છા પાઠવીને પોસ્ટમાં લખ્યું હતું, ‘શાનદાર અનુપમ ખેરજીને જન્મદિનની ખૂબ-ખૂબ શુભેચ્છા. ‘ફૌજી’ની ટીમમાં આપનું સ્વાગત છે. આવતું વર્ષ આપને માટે ખુશી અને સારા આરોગ્યથી ભરેલું રહે.’

entertainment news bollywood bollywood news anupam kher prabhas upcoming movie john abraham harshvardhan rane force shahid kapoor ajay devgn shaitan r madhavan