30 June, 2026 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જેનિલિયા દેશમુખે ગંગામાં લગાવી ડૂબકી
ઍક્ટ્રેસ જેનિલિયા દેશમુખે ગઈ કાલે વટ પૂર્ણિમાના પવિત્ર અવસરે ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી હતી. આ ખાસ પ્રસંગે તેણે પોતાના પતિ રિતેશ દેશમુખને યાદ કરીને એક સુંદર વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. જેનિલિયાનો આ આધ્યાત્મિક અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. જેનિલિયાએ સોશ્યલ મીડિયામાં ગંગાસ્નાનનો વિડિયો શૅર કરતાં લખ્યું હતું કે વટ પૂર્ણિમાના દિવસે ગંગામાં ડૂબકી લગાવી અને મારા ‘નવરા’ને યાદ કર્યો. જેનિલિયાના આ સંદેશમાં પતિ રિતેશ દેશમુખ પ્રત્યેનો પ્રેમ અને લાગણી સ્પષ્ટ જોવા મળી હતી.
ગઈ કાલે જયપુરમાં બાઇક-રાઇડર્સ સાથે આલિયા અને શર્વરી
આલિયા ભટ્ટ અને શર્વરી ત્રીજી જુલાઈએ રિલીઝ થનારી પોતાની આગામી ઍક્શન થ્રિલર ફિલ્મ ‘આલ્ફા’ના પ્રમોશન માટે ગઈ કાલે જયપુર પહોંચી હતી. જયપુરમાં પ્રમોશનલ ઇવેન્ટ દરમ્યાન આલિયા અને શર્વરી ખાસ બાઇકર ગિઅરમાં જોવા મળી હતી. બન્નેએ મહિલા બાઇક-રાઇડર્સ સાથે સેલ્ફી લીધો હતો તેમ જ ખાસ ફોટોશૂટ પણ કરાવ્યું હતું. ફિલ્મના પ્રમોશનને વધુ ભવ્ય બનાવવા માટે જયપુરના મિરાજ સિનેમા ખાતે આલિયા ભટ્ટ અને શર્વરીના અંદાજે ૪૫થી ૫૦ ફુટ ઊંચાં વિશાળ કટઆઉટ્સ પણ લગાવવામાં આવ્યાં છે. ફિલ્મના પ્રમોશન માટે આલિયા અને શર્વરી સાંજે જયપુર એન્જિનિયરિંગ કૉલેજ એન્ડ રિસર્ચ સેન્ટર યુનિવર્સિટી પહોંચી હતી. અહીં તેમણે હજારો વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરૅક્ટિવ સેશનમાં ભાગ લીધો હતો અને સ્ટેજ પર ખાસ પર્ફોર્મન્સ પણ આપ્યો હતો.
પોતાની આગામી ફિલ્મ ‘આલ્ફા’ના પ્રમોશનમાં વ્યસ્ત શર્વરીએ તાજેતરમાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ શો માટે શર્વરીએ ગ્લૅમરસ ડેનિમ લુક પસંદ કર્યો હતો જે તેના ફૅન્સને બહુ પસંદ પડ્યો છે. આ ડેનિમ લુક સાથે તેના મિનિમલ મેકઅપ, ખુલ્લા વાળ અને એલિગન્ટ સ્ટાઇલિંગે સમગ્ર લુકને વધુ આકર્ષક બનાવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે શર્વરીનું આ ડેનિમ મિની સ્કર્ટ ૧૫,૧૬૦ રૂપિયાનું અને સ્ટાઇલિશ નીટેડ ટૉપ ૨૫,૫૫૮ રૂપિયાનું છે. આમ શર્વરીનો આ લુક અંદાજે ૪૦,૭૧૮ રૂપિયાનો છે.
સારા અલી ખાને પોતાની મમ્મી અમૃતા સિંહ સાથેના સ્વિટ્ઝરલૅન્ડના વેકેશનની તસવીરો શૅર કરી છે. લંડનમાં શૂટિંગ અને ફૅમિલી-ટ્રિપ પૂર્ણ કર્યા બાદ બન્નેએ સ્વિસ આલ્પ્સની મનમોહક વાદીઓમાં ક્વૉલિટી ટાઇમ વિતાવ્યો હતો. વેકેશન દરમ્યાન સારા અને અમૃતા સિંહે સ્વિટ્ઝરલૅન્ડના પ્રખ્યાત હિલ-સ્ટેશન ગસ્ટાડમાં હાઇકિંગનો આનંદ માણ્યો હતો. બરફથી ઢંકાયેલા પહાડોની તસવીરો શૅર કરીને સારાએ લખ્યું હતું કે ‘પહાડો પર એટલા માટે ન ચડો કે દુનિયા તમને જોઈ શકે, પણ એટલા માટે ચડો જેથી તમે દુનિયાને જોઈ શકો.’
મધુ રિયલ લાઇફમાં હેમા માલિનીના ભાઈની દીકરી છે. હાલમાં મધુ અને હેમા માલિનીએ પરિવાર સાથે ફેમિલી-ટાઇમ ગાળ્યો હતો. મધુએ આ પારિવારિક સમારોહની કેટલીક સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. મધુએ આ તસવીરો સાથે કૅપ્શન લખી હતી કે ‘ખૂબ જ ખાસ ક્ષણો. પરિવાર.’ આ તસવીરોમાં મધુ અને હેમા માલિનીનું બૉન્ડિંગ જોવા મળ્યું હતું અને મધુના પતિ બિઝનેસમેન આનંદ શાહની હાજરી પણ જોવા મળી હતી. આ તસવીરોમાં મધુ ગોલ્ડન બૉર્ડરવાળી સુંદર સિલ્વર-ગ્રે સાડીમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે. હેમા માલિનીએ પણ મધુ અને તેના પરિવારના અન્ય સભ્યો સાથે પોઝ આપ્યો હતો.
અનુપમ ખેરે કલકત્તાના પવિત્ર કાલીઘાટ કાલી મંદિરની મુલાકાત લીધી હતી. આ મંદિર મહત્ત્વની શક્તિપીઠ છે અને અહીં અનુપમ ખેરે કાલીમાતાનાં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ અનુભવને અત્યંત ભાવુક ગણાવતાં અનુપમ ખેરે લખ્યું, ‘સદીઓથી શ્રદ્ધા, આશા, આંસુઓ અને પ્રાર્થનાઓના સાક્ષી રહેલા પૂજાસ્થળ પર ઊભા રહેવામાં એક અદ્ભુત આત્મિક શાંતિનો અનુભવ થાય છે.’ અનુપમ ખેરે આધ્યાત્મિક અનુભવ જણાવતાં કહ્યું હતું કે ‘આજે મને કલકત્તાના પવિત્ર કાલીઘાટ કાલી મંદિરમાં કાલીમાતાના આશીર્વાદ મેળવવાનું સન્માન મળ્યું. મેં શક્તિ, કૃતજ્ઞતા અને સૌથી મહત્ત્વનું તો આપ સૌના સારા સ્વાસ્થ્ય, સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરી. ભારતની સુંદરતા માત્ર એની વિવિધતામાં જ નથી પણ એનાં પ્રાચીન મંદિરોમાં પણ છે જ્યાં પેઢીઓથી લોકો જોડેલા હાથ સાથે આવે છે અને નવી શ્રદ્ધા લઈને પરત ફરે છે.’
ક્રિતી સૅનન રવિવારે સૅલોંની બહાર જોવા મળી હતી અને આ સમયે તેનો લુક ચર્ચાનો વિષય બન્યો હતો. ક્રિતીએ પોતાના સિમ્પલ લુકને એક ડિઝાઇનર ઍક્સેસરીથી વધુ આકર્ષક બનાવી દીધો હતો. આ સમયે ક્રિતીએ સફેદ રંગનું રફલ શૉર્ટ-સ્લીવ્ઝ શર્ટ અને વાદળી રંગનું સ્ટ્રેટ-લેગ ઓવરસાઇઝ્ડ જીન્સ પહેર્યું હતું. આ સમયે ક્રિતીના હાથમાં બ્રિટનની લક્ઝરી બ્રૅન્ડ બરબરી હાઇલૅન્ડ્સની ક્રૉસબૉડી બૅગ હતી જેની કિંમત બ્રૅન્ડની ઑફિશ્યલ વેબસાઇટ મુજબ અંદાજે ૧.૬૭ લાખ રૂપિયા છે. આ બૅગમાં ડીટૅચેબલ લેધર સ્ટ્રૅપ પણ આપવામાં આવ્યો છે જેના કારણે એને ક્રૉસબૉડી અથવા ટૉપ-હૅન્ડલ બૅગ તરીકે બન્ને રીતે કૅરી કરી શકાય છે.
શ્રદ્ધા કપૂર અને તેનો બૉયફ્રેન્ડ રાહુલ મોદી બન્ને થિયેટરમાં સાથે જોવા મળ્યાં હતાં. સોશ્યલ મીડિયા પર ચર્ચામાં રહેલા વિડિયોમાં શ્રદ્ધા ‘વેલકમ ટુ ધ જંગલ’ની મજા માણતી વખતે પેટ પકડીને હસતી જોવા મળી રહી હતી અને બૉયફ્રેન્ડ રાહુલ બાજુમાં જ બેસેલો જોવા મળે છે. રાહુલ અને શ્રદ્ધા જાહેરમાં બેધડક સાથે જોવા મળે છે અને આ પહેલાં પણ બન્ને અનેક વખત પબ્લિક પ્લેસ પર સ્પૉટ થઈ ચૂક્યાં છે.