Entertainment Updates: જેલર 2માં રજનીકાંત સાથે હૃતિક રોશન

12 June, 2026 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Entertainment Updates: વેલકમ ટુ ધ જંગલના ટ્રેલર-લૉન્ચ પર ખર્ચાયા ૧.૫૦ કરોડ રૂપિયા; અને વધુ સમાચાર

જેલર 2માં રજનીકાંત

રજનીકાંતની બહુચર્ચિત ફિલ્મ ‘જેલર 2’માંથી શાહરુખ ખાનની એક્ઝિટ બાદ મહત્ત્વના કૅમિયો માટે હૃતિક રોશનને સાઇન કરવામાં આવ્યો છે અને તે ૨૨ અને ૨૩ જૂને ચેન્નઈમાં પોતાના ભાગનું શૂટિંગ કરશે. ફિલ્મના હૃતિકના પાત્ર વિશેની વિગતો હાલમાં ગુપ્ત રાખવામાં આવી છે પણ મળતી માહિતી પ્રમાણે ફિલ્મની વાર્તાના એક મહત્ત્વપૂર્ણ તબક્કે તેનું પાત્ર એન્ટ્રી કરશે અને રજનીકાંતના પાત્રને મદદ કરીને વાર્તાને આગળ વધારવામાં ખાસ ભૂમિકા ભજવશે. હાલમાં ટીમ હૃતિક માટે એકદમ નવો અને અલગ લુક તૈયાર કરી રહી છે અને શૂટિંગ પહેલાં તેના માટે અનેક લુક-ટેસ્ટ પણ યોજાશે. આ ફિલ્મમાં લગભગ ૪૦ વર્ષ બાદ રજનીકાંત અને હૃતિક સાથે કામ કરશે. ૧૯૮૬માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ભગવાન દાદા’માં હૃતિક બાળકલાકાર તરીકે રજનીકાંત સાથે જોવા મળ્યો હતો અને હવે ‘જેલર 2’માં સાથે જોવા મળશે.

અક્ષય કુમારની વેલકમ ટુ ધ જંગલના ટ્રેલર-લૉન્ચ પર ખર્ચાયા ૧.૫૦ કરોડ રૂપિયા

ગઈ કાલે ‘વેલકમ ટુ ધ જંગલ’ના ટ્રેલર-લૉન્ચ દરમ્યાન ફિલ્મની આખી ટીમ

અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ ૨૬ જૂને રિલીઝ થવાની છે. હાલમાં ફિલ્મના નિર્માતાઓ પ્રમોશનમાં વ્યસ્ત છે અને ગઈ કાલે એનું ટ્રેલર પણ લૉન્ચ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ પ્રમાણે આ ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટ પર નિર્માતાઓએ ૧.૫૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. ટ્રેલર-લૉન્ચને ભવ્ય બનાવવા માટે યશ રાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં જંગલની થીમ પર એક વિશાળ સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ સેટમાં કૃત્રિમ ઝરણાં સહિત અનેક વિશેષ આકર્ષણો સામેલ કરવામાં આવ્યાં હતાં. આ ટ્રેલર-લૉન્ચ માટે આખો સ્ટુડિયો બુક કરવામાં આવ્યો હતો અને સમગ્ર સ્ટારકાસ્ટ એક સાથે જોવા મળી હતી.

તનુ વેડ્સ મનુ : ધ નેક્સ્ટ ચૅપ્ટરમાં ફરી ચમકશે કંગના રનૌત અને આર. માધવનની જોડી

‘તનુ વેડ્સ મનુ’ બૉક્સ-ઑફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. ત્યાર બાદ એની સીક્વલ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ને પણ દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. છેલ્લાં ઘણાં વર્ષોથી ફૅન્સ આ લોકપ્રિય ફ્રૅન્ચાઇઝીના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા. હવે આખરે કંગના રનૌત અને આર. માધવનની આ લોકપ્રિય ફિલ્મ-સિરીઝના આગામી ભાગ પર સત્તાવાર મહોર લાગી ગઈ છે. રિપોર્ટ પ્રમાણે ફ્રૅન્ચાઇઝીના ત્રીજા ભાગનું શીર્ષક ‘તનુ વેડ્સ મનુ : ધ નેક્સ્ટ ચૅપ્ટર’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મના નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મના શૂટિંગનું વિગતવાર શેડ્યુલ જાહેર કર્યું નથી પણ એને આવતા વર્ષે શરૂ કરી દેવાનું પ્લાનિંગ છે.

મિકા સિંહની ગોલ્ડન જ્યુબિલી

બુધવારે ૧૦ જૂને સિંગર મિકા સિંહની પચાસમી વર્ષગાંઠ હતી એ નિમિત્તે તેણે રાખેલી પાર્ટીમાં બૉલીવુડની ઘણી હસ્તીઓ હાજર રહી હતી. મિકાના જન્મદિવસના જલસામાં હેમા માલિની, કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની તથા મિકાનો મોટો ભાઈ દલેર મેહંદી સામેલ થયાં હતાં.

દીકરી અને દોહિત્રી સાથે ઍરપોર્ટ પર જોવા મળ્યો ૬૯ વર્ષની ડિમ્પલ કાપડિયાનો સ્વૅગ

ડિમ્પલ કાપડિયાએ ૬૯ વર્ષની ઉંમરે પણ પોતાની ફિટનેસ અને સ્ટાઇલ જાળવી રાખી છે. હાલમાં ડિમ્પલ ઍરપોર્ટ પર પોતાની દીકરી ટ્‌વિન્કલ ખન્ના અને દોહિત્રી નિતારા સાથે જોવા મળી હતી. આ આઉટિંગ વખતે સ્ટાઇલ અને સ્વૅગના મામલે ડિમ્પલે પોતાની દીકરી અને દોહિત્રીને પણ પાછળ છોડી દીધી હતી. ટ્‌વિન્કલ અને ડિમ્પલનો સ્ટાઇલિશ લુક ચર્ચામાં રહ્યો હતો તો નિતારા પણ સૌનું ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી.

ગંગા માઈ કી બેટિયાં બન્યો નંબર વન શો

બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) દ્વારા હિન્દી ટેલિવિઝન શોઝનો સાપ્તાહિક TRP રિપોર્ટ આવી ગયો છે. આ વખતે રૅન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા ઘણા અઠવાડિયાથી ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP)ના ચાર્ટમાં રાજ કરી રહેલી સિરિયલ ‘વસુધા’ હવે બીજા સ્થાને પહોંચી ગઈ છે અને ‘ગંગા માઈ કી બેટિયાં’એ પ્રથમ સ્થાન મેળવ્યું છે અને TRP ચાર્ટમાં નંબર વન શો બન્યો છે. આ ચાર્ટમાં ‘તુમ સે તુમ તક’એ ત્રીજું સ્થાન મેળવ્યું છે. રૂપાલી ગાંગુલીના લોકપ્રિય શો ‘અનુપમા’એ પોતાનું ચોથું સ્થાન જાળવી રાખ્યું છે. એક સમયે TRP ચાર્ટમાં ટૉપ પર રહેલી સિરિયલ ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ હવે પાંચમા સ્થાને પહોંચી ગઈ છે જે એના માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.

entertainment news bollywood bollywood news upcoming movie rajinikanth hrithik roshan akshay kumar mika singh happy birthday tanu weds manu tanu weds manu returns r madhavan kangana ranaut